આત્મા એટલે પ્રાકૃતિક ખેતીને લગતી તાલીમ અને કાર્યક્રમો યોજતી સંસ્થા
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધે અને ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક પેદાશો સાથે જોડાય, અને તે સિવાય પણ જે ખેડૂતો રાસાયણિક ખેતી સાથે જોડાયેલા છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે. ઘણી વાર ખેડૂતો અને સામાન્ય જનતા પણ પ્રાકૃતિક રીતે થતી ખેતીથી અજાણ હોય છે. પરંતુ, પ્રાકૃતિક કૃષિને લગતી ચર્ચાઓમાં આપણે ક્યારેક તો આત્માનું નામ સાંભળ્યું જ હશે.
આત્મા (ATMA – Agricultural Technology Management Agency) એટલે એવી એક એજન્સી જેના દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતી વિવિધ પ્રકારની તાલીમ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કૃષિ ટેકનોલોજી અને વ્યવસ્થાપન એજન્સી ‘આત્મા’ એ જિલ્લા સ્તરે કાર્યરત એક રજિસ્ટર્ડ સોસાયટી છે, જે જિલ્લાના તમામ કૃષિ સંબંધિત સંગઠનો અને કૃષિ ભાગીદારોને આયોજનથી અમલીકરણ સુધી સામેલ કરીને જિલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે પ્રયત્નો કરે છે.
આત્માનું મુખ્ય કાર્ય જિલ્લાની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ઉપરાંત, જાહેર કૃષિ ટેકનોલોજીને લગતી સિસ્ટમનું રોજિંદું સંચાલન અને તેનું વિકેન્દ્રિકરણ કરવાનું છે. આત્મા પ્રાકૃતિક કૃષિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા તમામ જિલ્લાના કૃષિ વિભાગો, સંશોધન સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને કૃષિ વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઓ વગેરે સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા માટે જવાબદાર છે.
આત્માનું મિશન અને તેનો હેતુ ખેડૂતોને ધિરાણ લાયક બનાવવા માટેનો છે. પ્રાકૃતિક કૃષિને લગતા નિર્ણય લેવાની પ્રક્રિયાને વેગ આપવા માટે અને ખેતીમાં વ્યાવસાયિક અભિગમ શરૂ કરવા માટે ખેડૂતોને FIG (ફાર્મર્સ ઈન્ટરેસ્ટ ગ્રૂપ), CIG (કન્સરવેશન ઇનોવેશન ગ્રાન્ટ), FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ, ખેડૂતો પાસેથી મેળવેલી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવું, ભાગીદારોની જવાબદારી વધારવી, ખેડૂતોની ક્ષમતાઓને મજબૂત કરવી, ખાનગી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવી, સ્ત્રી અને પુરુષ બંને ખેતી સાથે જોડાય તે માટે તેમની ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વગેરે છે. આત્મા ખેડૂતોની જરૂરિયાતો અનુસાર કૃષિને લગતું શિક્ષણ અને શિક્ષણ પ્રવૃત્તિઓના નવા સંશોધનો પૂરા પાડે છે.
ખેડૂતો પોતાની ભાગીદારીથી, પોતાની મરજીથી નિર્ણયો લઈ શકે તે માટે સત્તાનું વિકેન્દ્રીકરણ, કૃષિ વિકાસ સાથે સંકળાયેલા તમામ સરકારી, અર્ધ-સરકારી, બિન-સરકારી, વાણિજ્યિક ખેડૂત સંગઠનો તેમજ કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યઉદ્યોગ જેવા વિભાગોનું સંકલન પણ આત્મા દ્વારા કરવામાં આવે છે.
આત્મા મુખ્યત્વે ટેકનોલોજી(ખેડૂતોનું કૃષિ સંશોધન)ના ટ્રાન્સફરમાં કામ કરે છે. ભૂતકાળમાં, કૃષિ વિસ્તરણ માટે સમુદાય વિકાસ યોજનાઓ, રાષ્ટ્રીય પ્રદર્શન, તાલીમ અને મુલાકાત યોજના વગેરે કાર્યરત હતી. આત્મા યોજનામાં સરકારી એજન્સીઓ સાથે નવી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડ અભિગમ મુજબ ખાનગી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે.
આત્માનું ગવર્નિંગ બોર્ડ જિલ્લા સ્તરે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કાર્ય કરે છે, જે જિલ્લામાં આત્માની બધી પ્રવૃત્તિઓનો અમલ, દેખરેખ અને સંચાલન કરે છે. પ્રાકૃતિક કૃષિને લગતા તમામ કાર્યક્રમો આત્માને સંલગ્ન હોય છે.
ગુજરાત રાજ્યમાં, આત્મા યોજના ૨૦૦૫ માં પાયલોટ ધોરણે લાગુ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૭-૨૦૦૮થી આત્મા તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે. આત્મા દ્વારા આપવામાં આવતી તાલીમ અને સહાયથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મબલક પાક, નફો અને આત્મવિશ્વાસ હાંસલ કરી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિમાં વધારેમાં વધારે ખેડૂતો જોડાય તે હેતુ સાથે આત્મા દ્વારા દરેક પાકની સીઝન દરમિયાન ખેડૂતોને પ્રાકૃત્તિક કૃષિની તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ પેદાશોનો વ્યાપ વધે અને તે સિવાય પણ બીજા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આત્મા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. ખેડૂતોની પ્રાકૃતિક રીતે થતી ખેતીથી જાણકારીમાં વધારો કરવા માટે અને તેની ટેકનિકલ જાણકારી આપવા માટે આત્મા દ્વારા વિવિધ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.