કચ્છના પ્રથમ સરહદી ગામ તરીકે જાણીતા કુરન ગામ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ અપાઈ

કન્ટ્રોલર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ ઓફિસ, ભુજ દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા કુરન ગામે નાગરિક સંરક્ષણ દળની પાયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને સરહદી વિસ્તારના નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન, યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં નાગરિક સંરક્ષણ અને તાત્કાલિક પ્રતિસાદ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ પ્રસંગે શ્રી ધવલ પંડ્યા, અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ દ્વારા તાલીમની જરૂરિયાત અને મહત્વ વિશે ગામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી પંડ્યાએ જણાવ્યું કે કચ્છ જેવા વિશાળ અને દુર્ગમ વિસ્તારમાં નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તાલીમ દ્વારા તેઓ આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપી શકે છે.
શ્રી ચિરાગભાઈ ભટ્ટ, ચીફ વોર્ડન દ્વારા પ્રાથમિક સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેમાં બ્લિડિંગ (રક્તસ્ત્રાવ), બર્નિંગ (કાળી સહેજ અથવા ગંભીર બળતરા), ફ્રેક્ચર (હાડકાં તૂટવા) તથા હાર્ટ અટેક વખતે સીપીઆર જેવી તાત્કાલિક સારવાર સામેલ હતી. ગામ લોકોને અગ્નિશમન વિશે પણ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. જેમાં અગિન ત્રિકોણ, આગના પ્રકારો અને તેને કાબૂમાં લેવાની પદ્ધતિઓ અને ફાયર એસ્ટિગ્યુશરનો યોગ્ય ઉપયોગ શીખવવામાં આવ્યો.
શ્રી અરુણભાઈ જોશી, વોર્ડન દ્વારા નાગરિક સંરક્ષણ દળની રચના અને તેની ૧૨ વિવિધ સેવાઓ વિશે માહિતી અપાઈ હતી. તેમણે દળની કામગીરી અને આપત્તિ સમયે તેમનો ઉપયોગ કેવી રીતે થાય તેના વિશે સમજણ આપી હતી.
શ્રી રોહિતભાઈ ઠક્કર દ્વારા બચાવની વિવિધ પદ્ધતિઓ, હવાઈ હુમલા સમયે સ્વબચાવ માટે અપનાવવાની ટેકનિક અને અંધારપટ (Blackout)ની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્થાનિક ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિભાગ દ્વારા આગામી સમયમાં પણ સરહદી વિસ્તારોમાં તાલીમના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લામાં ૯૨૫૦ નાગરિકોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ
નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૪ વર્ગોનું આયોજન કરી શહેર અને ગામના નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાના કુલ – ૯૨૫૦ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી. જેમાં મોટી દધ્ધર અને જોગણીનાર ખાતે અગરિયાઓને તેમજ નાગરિક સંરક્ષણનું સાહિત્ય બ્રેઇલ લિપીમાં તૈયાર કરીને નવચેતન અંધજન મંડળ, માધાપર ખાતે દિવ્યાંગ બાળકોને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે. ભુજ તાલુકાનું કુરન ગામ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલું છે અને તેના કારણે ભૌગોલિક અને વ્યૂહાત્મક ઘણું મહત્વ ધરાવે છે. ૨૦૧૧ની જનગણના મુજબ કુલ ૩૬૬ ઘરો અને ૧૪૩૭ની વસ્તી ધરાવતું કુરન ગામ વિકાસ અને સાંસ્કૃતિક પરંપરાઓને એકસાથે લઈને જીવતું ગામ છે. કુરન ગામ નજીકથી હડપ્પાકાળના “સ્ટેડિયમ” જેવી રચનાઓ મળી આવી છે, જે સંભવિત રીતે સામૂહિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગીમાં લેવાતી હશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર કુરન ભારતનું એકમાત્ર ગામ છે જ્યાં હડપ્પાકાળના બે સ્ટેડિયા મળી આવ્યા છે
કુરનના ધાણાસ –વણકર મેઘવાળ પરિવારોમાં ૩૦૦ વર્ષ જૂનો વણાટનો વારસો આજે પણ જીવંત છે. આ પરિવાર દ્વારા બનાવવામાં આવતા ઊંટના કૂણાળાઓ પર લાદવા માટેના થેલાઓ પ્રખ્યાત છે. પ્રત્યેક થેલો એક સાંસ્કૃતિક વારસો હતો: તેમાં વણાટ, રંગકામ, સીલાઇ અને સમુદ્દાયનો પરિશ્રમ છલકતો હતો. આ વારસો આજે પણ ધાણાસ પરિવારો દ્વારા જીવંત રાખવામાં આવેલો છે. તેઓ આજે પણ પ્રાચીન રીતે હાથશાળ(લૂમ) વાપરે છે, અને તેમના પ્રોડક્ટસ અમદાવાદ અને દિલ્હી જેવા શહેરોના મ્યુઝિયમમાં પ્રદર્શિત થયા છે તેમ અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણશ્રીની કચેરી ભુજ કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.
