માનકુવાની ૧૪ વર્ષની અંજનાને આંખની ગાંઠના નિ:શુલ્ક ઓપરેશનથી પીડામાંથી મુક્તિ મળી

ભુજ તાલુકાના માનકુવા ગામના રહેવાસી હરેશભાઈ ચાવડાના ઘરે દીકરી અંજનાનો જન્મ થયો હતો. એકની એક દીકરીના જન્મની સાથે કોઈ પણ પ્રકારની તકલીફ વગર, ખુશીથી આ પરિવાર જીવન વ્યતિત કરતો હતો. પરંતુ સ્વાસ્થ્યનું સુખ સમય સાથે બદલાતું રહે છે. આ પરિવારમાં પણ આવું જ કંઈક બન્યું.

 હરેશભાઈ જણાવે છે કે થોડા સમય બાદ મારી દીકરીને સ્કૂલે જતાં આવતાં રોજ માથામાં દુ:ખાવો થવા લાગ્યો. રોજની થતી અવર જવરથી આંખોમાં પવન લાગવાથી આંખોમા બળતરા થતી અને તેના કારણે માથાના ઉપરના ભાગમાં સતત દુ:ખાવો થતો હતો. અમુક સમય સુધી અમે માથાનો દુ:ખાવો સામાન્ય છે તેમ સમજીને નકારી કાઢતાં હતાં. “પરંતુ, મારા ઘરની એવી પરિસ્થિતિ ન હતી કે મારી એકની એક દીકરીને હું પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જઈ તેની તપાસ કરાવી શકું અને તેની દવાઓ અને સારવારનો વધારાનો ખર્ચો ભોગવી શકુ.” દીકરીને રોજ થતી આ પીડા આખા પરિવારથી જોઈ શકાતી ન હતી.

પ્રાથમિક શાળાઓમાં કાયમી ધોરણે વિદ્યાર્થીઓની સામાન્ય તપાસ માટે ડૉકટરો આવતાં હોય છે. આ ડૉકટરોએ એક દિવસ અંજનાની તપાસ કરી હતી. તપાસમાં તેમને જાણવા મળ્યું હતું કે, ૧૪ વર્ષની અંજનાને ડાબી આંખમાં રસોડી સમાન ગાંઠ છે, જેના કારણે તેમને માથામાં દુ:ખાવો થાય છે. વધુમાં માથું ભારે લાગવા જેવા લક્ષણો અનુભવાતાં હતાં.

 સામાન્ય ટાયર પંચરનો વ્યવસાય કરતાં હરેશભાઈને દીકરીને માથામાં ગાંઠ છે, અને તેની સારવાર માટે હજારો રૂપિયાઓનો ખર્ચો થશે તેની ચિંતા સતાવતી હતી. પરંતુ એ જ દિવસે તેમને યોગ્ય રાહ મળી, શાળામાં તપાસમાં આવેલા ડૉકટરોએ જ અંજનાની પુરતી સારવાર માટે રાષ્ટ્રીય સ્તરે ચાલતાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતગર્ત ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે કોઈ પણ શારીરિક ખામીઓ માટે દરેક બાળકોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે જેની જાણકારી મળતાં જ તેઓ પોતાની દીકરીને તપાસ માટે લઈ ગયા.  

આ યોજના અંતગર્ત માનકુવા ગામની ટીમના ડૉ. જનકબા જાડેજા અને ડૉ. કીંજલબેન  દ્વારા તેની તપાસ કરી અંજનાને “આઈ- સિસ્ટ”ની તકલીફનું નિદાન કર્યુ. ડૉ. જનકબા એ જણાવ્યુ હતું કે, “આઈ- સિસ્ટ” એટલે કે આંખમાં ઉપરના ભાગમાં એક પ્રકારની ગાંઠ હોવી. વધુમાં તેઓ કહે કે, આ રોગમાં એક કેન્સરની અને એક સામાન્ય એમ બે પ્રકારની ગાંઠ થતી હોય છે. જેમાં કયારેક પાણી ભરાતું હોય તો અમુક પ્રકારના કેસમાં રસી પણ થઈ જતી હોય છે. કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેકટ વગર તેનુ ઓપરેશન કરીને આ રોગમાંથી મુક્ત થઈ શકાય છે. અંજનાને પણ આ સામાન્ય પ્રકારની ગાંઠ હતી, જેના ઈલાજ માટે આર.બી. એસ. કે. ની ટીમ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલમાં અંજનાને રીફર કરવામાં આવી.

આર.બી.એસ.કે ટીમ દ્વારા આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ બનાવવામાં આવે છે. આ થકી રીપોર્ટસના ખર્ચાઓ, દવા, ટીપાં અને અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જેના કારણે અંજનાના પરિવારને એક રૂપિયાનો ખર્ચ ખિસ્સામાંથી કરવો પડ્યો નથી. જી.કે. જનરલ હોસ્પિટલના નિષ્ણાંતોની ટીમ દ્વારા અંજનાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. અંજનાની નિયમિતપણે તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેમને બીજી ગાંઠના પણ લક્ષણો દેખાયા છે. પરંતુ આ યોજના અન્વયે ટીમ દ્વારા તેનો પણ ઈલાજ કરી આપવામાં આવશે. ઓપરેશન પછી પણ યોગ્ય મહીને ચેકઅપ, દવા, અને ટીપાં પુરા પાડવામાં આવે છે.

” રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘરે-ઘરે જઈ જઈ દરેક બાળકના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે, અનેક ઘરોમાં ફરીથી આનંદનો માહોલ છવાયો છે. અંજનાના પરિવાર માટે પણ આર.બી.એસ.કે. યોજના આશીર્વાદરૂપ બની છે.  અંજનાના માતા ગીતાબેને જણાવ્યું હતું કે, તેમની દીકરી હાલ શાંતિથી, પીડામુક્ત જીવન જીવી રહી છે. આ ઓપરેશન થકી તે આજે સ્વસ્થ છે. દીકરીને નવજીવન આપવા બદલ આ દંપતિએ રાજ્ય સરકારશ્રી અને આર.બી.એસ.કેની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.