પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ


નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ નિયંત્રક શ્રી ધવલ પંડ્યા દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી એક વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવસર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા તારીખ ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ દિવ્યાંગ બાળકો માટે આયોજિત કરવામાં આવેલી નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમનું વિસ્તરણ સ્વરૂપ છે. જે દર્શાવે છે કે નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે.
આજરોજ આયોજિત તાલીમમાં વેલસ્પન કંપનીના અંજાર પ્લાન્ટ ખાતે નોકરી કરતા ૧૦૦ જેટલા શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણનો હેતુ, તેનું મહત્વ અને તેની ૧૨ સેવાઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત આગના પ્રકારો, અગ્નિશમન બાટલાના પ્રકારો અને તેમનો યોગ્ય ઉપયોગ કરીને આગ ઓલવવાની પદ્ધતિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ હવાઈ હુમલા જેવી પરિસ્થિતિઓમાં સ્વબચાવના પગલાઓ, અંધારપટનો ઉપયોગ અને બચાવની કળા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ સાથે શ્રી પ્રશાંત તન્નાએ પ્રાથમિક સારવાર અંગે કર્મચારીઓને જાણકારી આપી. તેમાં લોહી નીકળવું, દાઝી જવું, હાડકાના ફ્રેક્ચર વગેરે સમયે જરૂરી પ્રાથમિક સારવાર તેમજ હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં CPR (Cardio Pulmonary Resuscitation) ની સમજ મેનેક્વિનના પ્રદર્શન સાથે આપવામાં આવી હતી. આવી હોનારતોમાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે ભયજનક વિસ્તારોમાંથી બચાવ કરવાની વિવિધ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વેલસ્પન કંપનીના ટ્રેનિંગના વડા બ્રજેશ શુક્લા તેમજ અન્ય કર્મચારીગણનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો.
નાગરિક સંરક્ષણ કચેરી ભવિષ્યમાં પણ આવા સમાવેશી અને જાહેરજાગૃતિવાળા કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધે એવી કર્મચારીઓએ ઈચ્છા દર્શાવી હતી.
વર્ષ ૨૦૧૧ ની જનગણના મુજબ કુલ ૨ કરોડ ૬૮ લાખ દિવ્યાંગ નાગરિકો પૈકી ૧૯ ટકાથી વધુ એટલે કે ૫૦ લાખથી વધુ શ્રવણ દિવ્યાંગ છે. તેઓ અભ્યાસ અને પ્રત્યાયનના સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. ભારતીય સંકેત ભાષા એ ભારતમાં શ્રવણવિકલાંગ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી એક દૃશ્ય-અભિવ્યક્તિ ભાષા છે. આ ભાષામાં હાથના સંકેતો, ચહેરાના અભિવ્યક્તિ અને શરીરના હાવ-ભાવનો ઉપયોગ થાય છે. તે બોલાતી ભાષા જેવી નથી, તેની પોતાની વ્યાકરણ અને રચના હોય છે. ભારતમાં કુલ ૪૨ સંસ્થાઓ ભારતીય સંકેત ભાષામાં ડિપ્લોમાના કોર્સ ચલાવે છે. સને ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા સ્થપાયેલી ઇન્ડિયન સાઈન લેન્ગવેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ISLRTC) એ ભારતીય સંકેત ભાષા માટે સંશોધન, શિક્ષણ સામગ્રી, તાલીમ કાર્યક્રમો અને ડિક્શનરી તૈયાર કરવા જેવા કાર્યો કરે છે. આ સંસ્થા દ્વારા શ્રવણ દિવ્યાંગ બાળકો માટે ગુજરાતીમાં પણ ડિક્શનરી તૈયાર કરવામાં આવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૯૬૦૦ તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવેલી છે તેમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે.
