કુપોષણ મુક્ત કચ્છ તરફ મક્કમ ડગલાં : જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આઈસીડીએસ
(ICDS) વિભાગ દ્વારા “પોષણ અભિયાન” અને “સમુદાય આધારિત કુપોષણ વ્યવસ્થાપન” (CMAM) કાર્યક્રમ
અંતર્ગત કુપોષણ નિવારણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO)
કચ્છ-ભુજ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી(ICDS) ના માર્ગદર્શન અને સતત મોનિટરિંગ હેઠળ જિલ્લામાં
કુપોષણના દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
જે અંતર્ગત માર્ચ-૨૦૨૫ની સ્થિતિ મુજબ જિલ્લામાં કુલ ૧૨૪૦ અતિ કુપોષિત (SAM) અને ૩૯૮૪
મધ્યમ કુપોષિત (MAM) બાળકો નોંધાયા હતા. આ આંકડાને ધ્યાને લઈને આઈસીડીએસ દ્વારા વિશેષ ડ્રાઈવ
ચલાવવામાં આવી રહી હતી.
પોષણ સંગમ કાર્યક્રમના સતત અને સંકલિત પ્રયત્નોના પરિણામે જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અતિ કુપોષિત
બાળકોની સંખ્યા ઘટીને ૯૫૪ પર આવી છે, જ્યારે મધ્યમ કુપોષિત બાળકોની સંખ્યા ૩૪૧૧ નોંધાઈ છે. આમ
કુપોષિત બાળકોમાં ૨૮૬ નો તથા મધ્યમ કુપોષિત બાળકોમાં ૫૭૩ નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ સિદ્ધિ જિલ્લા પંચાયત કચ્છની આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકરો,
આશા વર્કરો તથા સ્થાનિક તંત્રના સંકલિત અને સુવ્યવસ્થિત પ્રયત્નોનું પરિણામ છે. ઘર આંગણે મુલાકાત, નિયમિત
આરોગ્ય તપાસ, પોષણ કિટ વિતરણ, માતાઓને પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન તેમજ જાગૃતિ કાર્યક્રમો
દ્વારા બાળકોના આરોગ્યમાં ગુણાત્મક સુધારો લાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તમામ અતિ કુપોષિત બાળકોનું નિયમિત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી
જણાય ત્યાં તબીબી સારવાર અને રેફરલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
“કુપોષણ મુક્ત કચ્છ”ના સંકલ્પ સાથે આગામી સમયમાં વધુ સઘન અભિયાન હાથ ધરવાની દૃઢતા વ્યક્ત કરવામાં
આવી છે. જિલ્લામાં કુપોષણનું સંપૂર્ણ નિવારણ શક્ય બને તે હેતુથી આઈસીડીએસ વિભાગ દ્વારા નાગરિકોને
અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરાઈ હતી.