બળદિયા ગામની જાહેર ગૌચર જમીન પર અનેક બિનકાયદે પ્રવૃત્તિઓ અને દબાણ કરાતા ગ્રામજનો પરેશાન

બળદિયા ગામની ગૌચર જમીન પર દબાણ, ખાણકામ અને સરકારી તંત્રનો નિષ્ફળતાના કારણે સ્થાનિકોમાં અસંતોષભરી ભાવના જોવા મળી રહી છે. બળદિયા ગામની જાહેર ગૌચર જમીન પર અનેક બિનકાયદે પ્રવૃત્તિઓ અને દબાણ કરી દેવામાં આવેલ છે જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી.
ત્યારે, સર્વે નં. 329માંથી અંદાજે 11.13 એકર જમીન ખાણકામ માટે ઉપયોગમાં લેવાઈ રહી હોવાનું સાબિત થાય છે, જયારે આ જમીન ગૌચર તરીકે જાહેર છે. આ બાબતે ACB ભુજ, જીપીસીબી અને ખાણખનીજ વિભાગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે. અનધિકૃત દબાણો:સર્વે નં. 329માં 1.57 એકર વિસ્તારમાં ફાર્મ હાઉસ જોવા મળે છે. સર્વે નં. 330માં 3.64 એકર અને સર્વે નં. 59માં 0.84 એકર વિસ્તારમાં પણ દબાણ થયેલ છે. ત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળેલ છે કે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ સેકશન અધિકારીને તપાસના આદેશ આપવામાં આવેલ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી. Taluka Development Officer અને DILR કચેરી તરફથી રજૂઆત દબાવવાના પ્રયાસો થયા છે, જે ખૂબજ દયનીય બાબત છે. દબાણને લઈને બળદિયા ગ્રામજનો દ્વારા બે વખત ગ્રામસભામાં ઠરાવ કરીને ગૌચર જમીન ખાલી કરાવાની માંગ કરવામાં આવેલ છે. સરકાર અને તંત્ર દ્વારા ઉપેક્ષા ચાલુ રહેશે તો ગ્રામજનો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી લોકમુખે ચર્ચા છે. ત્યારે તાત્કાલિક જમીનનો સર્વે કરીને દબાણો દૂર કરવામાં આવે અને દુરુપયોગ માટે જવાબદાર અધિકારીઓ અને શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકની માંગ છે. જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આંદોલન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે ગ્રામજનો મજબૂર બનશે છે.