વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા લિક્ટેનસ્ટીનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ‘હિમાલયીન ધ્યાનયોગ’ શિબિરનું આયોજન

૧૨ જૂનના રોજ યુએન હેડક્વાર્ટર ખાતે ‘હિમાલયીન ધ્યાનયોગ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો.

 યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે, જેને અપનાવીને મનુષ્ય જાતિ, ધર્મ, રંગ, લિંગ, ભાષાના ભેદભાવથી ઉપર ઊઠીને પોતાની જાતને સંતુલિત કરી  આધ્યાત્મિક અને સર્વાંગીણ પ્રગતિ કરી શકે છે. 

૨૧ મી જૂન સમગ્ર વિશ્વમાં યોગદિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિમાલયીન ધ્યાનયોગ સંસ્કારના સ્થાપક સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ હિમાલયમાં ઘણાં વર્ષો સુધી કઠોર ધ્યાનસાધના કરી અને છેલ્લાં ૩૧ વર્ષથી તેઓ હિમાલયના આ ગહન જ્ઞાનને સમાજમાં વહેંચવાનું  કાર્ય સતત કરી રહ્યા છે. તેમના અથાક પ્રયાસોને કારણે આજે આ ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને ૭૦થી વધુ દેશોના લોકો આ પદ્ધતિથી ધ્યાન કરી પોતાનો સર્વાંગીણ વિકાસ કરી રહ્યા છે. વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને પૂજ્ય સ્વામીજીએ લોકોને ધ્યાનના આ અમૂલ્ય વારસાથી વાકેફ કર્યા છે.

તાજેતરમાં પૂજ્ય સ્વામીજી જર્મનીની મુલાકાતે છે, જે દરમિયાન ૧૨ મી જૂનના રોજ વિયેના, ઑસ્ટ્રિયામાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હિમાલયની આ ધ્યાન સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે કલાકના આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસનું આયોજન પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલા લિક્ટેનસ્ટીનમાં કરવામાં આવ્યું છે. આ વિશ્વનો બહુ નાનો દેશ છે અને વિશ્વ ધ્યાન દિવસની શરૂઆત કરવામાં તેનું વિશેષ યોગદાન છે.

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન, સમર્પણ મેડિટેશન ડ્યુશલેન્ડ સ્ટિફટંગ ગેન્ટેન ટ્રુહેન્ડ એજી દ્વારા ૨૧મી જૂનના રોજ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન લિક્ટેનસ્ટીનમાં પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં  સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજીનું પ્રવચન, સામૂહિક ધ્યાન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનો સમાવેશ હશે. યોગ દિવસ અંગે પૂજ્ય સ્વામીજી કહે છે કે સમગ્ર વિશ્વમાં લોકો યોગ દિવસ ઊજવે છે. વર્તમાનપત્રો અને ટેલિવિઝન ચેનલોમાં, લોકો યોગનું યોગાસન તરીકે અર્થઘટન કરે છે, પરંતુ યોગનો અર્થ યોગાસન નથી. યોગાસન યોગની પૂર્વતૈયારી છે. યોગ એટલે દરેક વસ્તુમાંથી મુક્તિનો માર્ગ. મુક્તિના માર્ગનો અર્થ એ છે કે આપણે જન્મ્યા પછી આપણી સાથે જોડાયેલી બધી વસ્તુઓથી મુક્ત થવું. આ મુક્ત અવસ્થા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે તે માટે પૂજ્ય સ્વામીજી પ્રયત્નો કરી રહ્યા છે.