માંડવીમાં વિકાસના નામે વૃક્ષોના સંહાર સામે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો

copy image

માંડવી શહેરમાં વિકસતા માર્ગોના કામની આડમાં દાયકાઓ જૂના વૃક્ષોની અનિયંત્રિત કાપણી પર હવે ભારે વિરોધ શરૂ થયો છે. માંડવી બગીચાથી લઈને લાયજા રોડ સુધી રોડ પહોળો કરવાના કામ માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેમાં કેટલાક વૃક્ષો પચાસ વર્ષથી પણ વધુ જૂના હતાં.

જ્યાં વૃક્ષો કાપવામાં આવ્યા છે તે વિસ્તારો જંગલ ખાતા કચેરીની સામે આવતા હોવા છતાં આ કાપણી જંગલ ખાતાની નજર સામે આવી નથી. આશ્ચર્યની વાત છે કે જંગલ ખાતાની કચેરીના મુખ્ય દરવાજા પાસેના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે, છતાં કોઈ અધિકારી દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાની અપીલ કરતા હોય ત્યારે અહીંનું તંત્ર તદ્દન વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.

માત્ર વૃક્ષોની કાપણી જ નહીં, રસ્તા પહોળા કરવાના કામ માટે જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે તેમાં ખુલ્લી ગટરો મૂકી દેવામાં આવી છે. પરિણામે તે સ્થળે અવરજવર કરતા રાહદારીઓ અને અબોલ જીવોની ખુલ્લા ખાડામાં પડવાની શક્યતા વધી ગઈ છે.

લોકો સ્થાનિક તંત્રના આવા વલણ સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે ભવિષ્યમાં વિકાસના નામે હરિયાળીને નષ્ટ કરવા નહીં દેવામાં આવે. તાત્કાલિક અસરથી ખુલ્લા ખાડાઓ બંધ કરવામાં આવે તથા વૃક્ષોના ધ્વંસ બદલ જવાબદારી ફીટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે….