જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા આરોગ્ય સંકલન તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક મળી

કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક મળી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠકમાં ગત મિટિંગમાં થયેલી કાર્યવાહીને વંચાણે લઈ તેને બહાલી અપાઈ હતી. જેમાં ન્યુટ્રીશન, રસીકરણ, શાળા આરોગ્ય તપાસણી, બિન સંક્રામક રોગોનો અટકાવ, ટી.બી. નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયક કામગીરીમાં ટેક્નોલોજીના ઉપયોગ આધારિત બાબતોની કામગીરીની સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાલસેવા બાલસંજીવની કેન્દ્રની કામગીરી, બાળ અને માતા મરણનાં કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિની સંખ્યા તથા રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિન સંચારી રોગો (NCD), વેકટર બોન ડિસીઝ મેલેરીયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલા, આંગણવાડી, શાળાઓ, સબસેન્ટર, પી.એચ.સી.,સી.એચ.સી.,એસ.ડી.એચ.માં નિયમિત સાફ સફાઈ રાખવી, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જિલ્લાનાં બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની કામગીરીની સમીક્ષા કરીને ખાસ કરીને ચશ્માની જરૂરીયાત વાળા બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તેવું આયોજન કરવા ડીડીઓશ્રીએ સૂચના આપી હતી.

જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં  “જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ” તથા “શૈક્ષણિક સંસ્થાઓના આસપાસના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ” અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટકાનું વેચાણ કરતાં દુકાનદારો તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. ગાઈડલાઈન મુજબ દરેક સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગોને જણાવાયું હતું. તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ અન્વયે થયેલા દંડની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મિતેષ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.મનોજ દવે, એફ.એસ.ઓ., એફ.ડી.સી.એ., ગેઈમ્સ અદાણીના ગાયનેક વિભાગના એચઓડી, PSM, જનરલ સર્જન, પિડિયાટ્રિશીયન, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યા, ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ઈન્ચાર્જ જિલ્લા આર.સી.એચ.ઓ., ઈ.એમ.ઓ., પી.આઈ.યુ.ના ઈજનેરશ્રી અરવિંદસિંહ જાડેજા, એસટી વિભાગના અધિકારીઓ,  તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, ફાયર સેફ્ટી અધિકારીશ્રી, જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી, IMA ભુજના પ્રમુખશ્રી ડૉ.લવ કતીરા, પાણી પુરવઠા અધિકારીશ્રી, ફૂડ એન્ડ ડ્રગ અધિકારીશ્રી, પોલીસ વિભાગના પ્રતિનિધિશ્રી, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, અંજાર, રાપરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિકારીઓશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષકશ્રી, ડી.પી.સી. આરોગ્ય અને વિવિધ વિભાગોના ઓફિસર્સ તેમજ વિવિધ NGO સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.