મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્ક ખાતે રાજ્યના ગ્રીનગ્રોથની ઝલક ઝીલીને કામગીરીની સમીક્ષા કરી

copy image

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ ૨૦૨૦ માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.
અંદાજે ૮૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ખાવડા રિન્યૂએબલ પાર્કમાંથી દેશનાં અંદાજે ૧ કરોડ ૮૫ લાખ ઘરને વર્ષ ૨૦૨૮ સુધીમાં વીજળી મળશે.
આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યારસુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
શ્રી મિસ્ત્રી એ કામગીરીનું વિવરણ કરી મુખ્યમંત્રીશ્રીને વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ આ પાર્કમાથી ૫ ગીગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેનાથી વિવિધ સબસ્ટેશનો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રનાં અંદાજે ૨૫ લાખ ઘર સુધી વીજળી પહોંચી રહી છે. આગામી ડીસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૨ હજારથી વધુ મેગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્યાંક હાથ ધરાયું છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અંદાજપત્રમાં સરકાર દ્વારા વિકાસના મુખ્ય પાંચ સ્તંભ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેમાં પાંચમા સ્તંભ તરીકે ગ્રીનગ્રોથમાં ઉર્જા, ક્લાઈમેટ ચેન્જ તથા વન અને પર્યાવરણ વિભાગનો સમાવેશ કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા ગ્રીન એનર્જીમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. સોલાર અને વિન્ડ દ્વારા વીજ ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ખાવડા નજીકનાં આર.ઈ. પાર્કમાં વિવિધ કંપનીઓ દ્વારા ૩૭ ગીગાવોટ વીજ ઉત્પાદનનાં લક્ષ્યાંક સાથે અંદાજે ૧૮ થી ૨૦ હજાર લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ આર.ઈ. પાર્કથી હજારો લોકોને રોજગારી મળી રહી છે તે બાબતને પ્રસંશનીય ગણાવી હતી.
આ તકે ખાવડા આર.ઈ. પાર્ક નિર્માણ સહભાગી સરકારી અને ખાનગી કંપનીઓના શીર્ષ અધિકારીશ્રીઓએ ગ્રીન ઊર્જા અંગેની કામગીરીનું વર્ણન મુખ્યમંત્રીશ્રી સમક્ષ કર્યું હતું. ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા તથા પર્યાવરણ અનુકૂળ વીજ ઉત્પાદનનાં ગુજરાત સરકારનાં આગોતરા આયોજનની કામગીરીને વિવિધ કંપનીઓનાં અધિકારીઓએ સરાહના કરી જિલ્લા વહિવટી તંત્ર અને સરકાર દ્વારા મળતા વિશેષ સહયોગની પ્રસંશા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આરઈએલ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ,ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રીયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓનાં પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલ, અદાણી ગૃપના પ્રોજેક્ટ હેડશ્રી તીર્થનાથ સિંઘ, સર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિશ્રી અનિલ મુસર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિતેન્દ્ર નિમાવત