મનોશારીરિક વિકાસ, રમત-ગમત, યોગ, સંગીત વગેરે બાબતોનો શિક્ષણમાં સમાવેશ કરવા શનિવારનો દિવસ બાળકો માટે બેગલેસ ડે તરીકે જાહેર થયો

copy image

copy image

NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત

સંદર્ભ:

(I) NEP 2020 પ્રકરણ નં. 4 મુદ્દા નં.4.9

(2) NCF-SE 2023 પ્રકરણ નં-8 મુદ્દા નં.8.2

(3) જીસીઈઆરટી સિંગલ ફાઇલ નં. 12/2025 પર તા. 19-6-2025 ની સરકારશ્રીની મંજુરી

શ્રીમાન,

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દેશમાં એવી શિક્ષણ પદ્ધતિની કલ્પના કરે છે જેનાં મૂળ ભારતીય સંસ્કારમાં હોય અને જેમાં તમામ ક્ષેત્રોમાં માનવીય પ્રયાસો અને જ્ઞાનની સંસ્કૃતિજન્ય સિદ્ધિઓની વાત હોય, સાથે સાથે 21મી સદીની સંભાવનાઓ અને પડકારો સાથે રચનાત્મક રીતે જોડાવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે. શાળાશિક્ષણ માટે આ મહત્વાકાંક્ષી દૃષ્ટિકોણ માટેનો આધાર રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખા (NCF-SE) 2023 દ્વારા તમામ શૈક્ષણિક સ્તરે વિવિધ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે.

NCP-SE 2023 એવાં કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જે જીવનમાં આગળ વધવાની સાથે વિકાસ માટે આવશ્યક છે. તે તેમની વિશ્લેષણાત્મક, વર્ણનાત્મક અને અભિવ્યક્તિની ક્ષમતાઓ વધારવાનો પ્રયાસ કરે અને તેમને આવનારા પડકારો અને તકો માટે તૈયાર કરે છે. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે—ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમજ વ્યાવસાયિક શિક્ષણ—જે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે. ભારત પાસે યોગની અદ્ભુત પરંપરા છે, જે માનસિક અને શારીરિક સુખાકારી માટે સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે.