આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા માટે ૧૦ જુલાઇના રોજ કચ્છના આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામ્ય અને શહેરીકક્ષાએ કેમ્પનું ખાસ આયોજન
આયુષ્યમાન વય વંદના યોજના સરકારની એક મહત્વકાંક્ષી આરોગ્ય વીમા યોજના છે. કચ્છ જિલ્લામાં અંદાજિત ૩૫ થી ૪૦ હજાર જેટલાં વડીલોને આ યોજના હેઠળ આવરી લેવા તારીખ ૧૦ જુલાઇના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામ્ય અને શહેરીકક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં તા.૧૦ જુલાઇના રોજ કચ્છ જિલ્લામાં ૭૦ વર્ષથી વધુ વયના લોકોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ ભંડેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોગ્ય ટીમો દ્વારા કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરાયું છે, આ કાર્ડ ધારકોને વિનામૂલ્યે ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર મળશે. પાત્રતા ધરાવતા નાગરિકોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.