રશિયાના બીચ પર યુક્રેનનો ડ્રોન હુમલો, સાત લોકોનાં મોત

રશિયાના ભીડભાડવાળા બીચ પર સોમવારે યુક્રેને ડ્રોન હુમલો કરતાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, દરિયાકિનારા પર પડતા પહેલાં તે ડ્રોનને આંતરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી. એક મીડિયા અહેવાલ અનુસાર , રશિયન અધિકારીઓએ કહ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રશિયાના એક વ્યસ્ત દરિયાકિનારા પર થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોનાં મોત નિપજ્યાં હતાં. અહેવાલો મુજબ , તેનું સંભવિત લક્ષ્ય લગભગ 40 કિલોમીટર દૂર આવેલા રશિયન નૌકાદળનો અડ્ડો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. દરમિયાન, મોસ્કોથી લગભગ 112 માઈલ પૂર્વમાં આવેલા `વાઈલ્ડબેરીઝ’ના વેરહાઉસ પર પણ યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. વાઇલ્ડબેરીઝ એ રશિયાની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની છે અને તાજેતરના સપ્તાહોમાં તેને અનેકવાર નિશાન બનાવવામાં આવી છે.