આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીમાં સફળ બનેલામાંડવીના તાલુકાના ગંગાપરના ખેડૂત જેન્તીલાલ દીવાણી


પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકારશ્રી પ્રયત્નો કરી રહી છે. હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતાં ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી થકી થતાં લાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકાના ગંગાપર ગામના જેન્તીલાલ વાલજીભાઈ દીવાણી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી દિવેલા, કપાસ, ઘઉં, બાજરી જેવા પાકોનું વાવેતર કરી રહ્યાં છે. તો આવો તેમની પાસેથી જ પ્રાકૃતિક ખેતીથી તેમને થયેલા ફાયદાઓ વિશે જાણીએ….
ખેડૂત જેન્તીલાલ દીવાણી જણાવે છે કે, શરૂઆતમાં તેઓ પરંપરાગત રોકડીયા પાકોનું વાવેતર કરતા હતાં. જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતાં. જેના કારણે તેમની જમીન ખૂબ કડક તથા ક્ષારવાળી બની ગઈ તો સામે પાણીનો વપરાશ પણ વધુ પ્રમાણમાં થતો હતો. પાકનું ઉત્પાદન ઓછુ થવા લાગ્યું અને ખેતરમાં જીવાતો પણ આવવા લાગી હતી, જેથી દવાનો ખર્ચ વધારે થતો હતો. આવકના સ્ત્રોત સીમિત હોવાથી નાણાકીય મુશ્કેલી વેઠવી પડતી હતી. ખેડૂત પોતાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે,પ્રાકૃતિક ખેતીની શરૂઆત વર્ષ ૨૦૧૯ થી કરેલી છે. કુલ જમીનની ૫ એકર જમીન પર પ્રાકૃતિક ખેતીથી દિવેલા, કપાસ, ઘઉં, બાજરી પાકનું વાવેતર કરે છે. શરૂઆતના સમયમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તેનાથી પાકનું ઉત્પાદન મળશે કે કેમ આવો ભય હતો. સરકાર દ્વારા માર્ગદર્શન પુરૂ પાડતાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ માં ભુજ ટાઉન હોલ ખાતે યોજાયેલ સુભાષ પાલેકરની શીબિર તથા વર્ષ ૨૦૨૨માં શંખેશ્વર-પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
વધુમાં તેઓ કહે છે કે, સૌથી આવશ્યક બાબત એ છે કે પ્રાકૃતિક ખેતીમાં જરૂરી તત્વો જેવા ખાતર અને રોગ નિયંત્રકો, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક જીવામૃત, બ્રમાસ્ત્ર, અગ્નીસ્ત્રનો સહિત બધુ જાતે જ વાડીમાં બનાવી શકાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછુ થતાં હાલમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતા તથા નિતારશક્તિમાં પણ વધારો થયો છે. ખર્ચમાં ઘટાડો થયો અને સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ પણ વધ્યું છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ફળની ગુણવતામાં સુધારો થયો છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધતાં પાણી લાંબા સમય સુધી આપવું પડતું નથી. જેના કારણે પાણીનો પણ વપરાશ પ્રમાણમા ઓછો થાય છે. જમીન જીવશે તો આપણે જીવીશું. તેથી દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતપેદાશો અપનાવી સ્વાસ્થ્યની જાળવણી કરે તે આજની જરૂરિયાત છે.
જિજ્ઞા પાણખાણીયા