અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન કાર્યક્રમ ઉજવાયો..


ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રતિ સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવા ભુજ સ્થિત કાશીનાથ ભવનમાં “ગુરુ વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી જિલ્લા પ્રાથમિક મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડે કરાવેલ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી મુરજીભાઈ મીંઢાણી (શાસનાધિકારી, અંજાર નગરપાલિકા અને ABRSM-પ્રાંત ઉપાધ્યક્ષ) અને મુખ્ય વક્તા તરીકે શ્રી જયંતીભાઈ નાથાણી (બૌદ્ધિક પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – સૌરાષ્ટ્ર પ્રાંત) ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાતીઓનું શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ શ્રી કલ્પેશભાઈ ચૌધરીએ કર્યું હતું. મુખ્ય વક્તાનું પુસ્તક વડે સન્માન કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી શ્રી અલ્પેશભાઈ જાની અને સરકારી પ્રાથમિક કાર્યકારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ ધરજીયાએ કરેલ હતું. મુખ્ય મહેમાન શ્રી મુરજીભાઈનું સન્માન એચ.ટાટ મહામંત્રી શ્રી અમરાભાઈ રબારી અને કલ્પેશભાઈ ચૌધરીએ કરેલ હતું.
કાર્યક્રમમાં શ્રી મુરજીભાઈ મીંઢાણીએ પણ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. મુખ્ય વક્તા શ્રી જયંતીભાઈ નાથાણીએ ગુરુપદ મહિમા તથા વિવિધ ગુરુ પ્રકારોની વ્યાખ્યા કરી ગુરુની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું.
આભારવિધિ અને સમાપન “કલ્યાણ મંત્ર” સાથે રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝાએ કરાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાપર તાલુકાના પ્રમુખ શ્રી રમેશભાઈ મઢવીએ કરેલ હતું.
કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લાના શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓમાં સૌરાષ્ટ્ર સંભાગ-૧ સંગઠનમંત્રી તેમજ પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઇ કેરાશિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, જિલ્લા સહમંત્રી ભાવસિંહ ઝાલા, એચ.ટાટ સંવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત સદસ્ય તિમિરભાઇ ગોર, તમામ તાલુકા ઘટક સંઘના અધ્યક્ષ/મહામંત્રી સહિત શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.