પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ધાન્ય પાકોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ ડાંગર વિશે
ડાંગરની ખેતી આખા વિશ્વમાં મોટા પાયા ઉપર કરવામાં આવે છે. વિશ્વમાં અનાજ પેદા કરવાવાળા મુખ્ય પાકોમાંનો એક છે. ભોજનમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા ચોખા આ ડાંગરની ખેતીથી પ્રાપ્ત થાય છે. ફક્ત ભારત જ નહીં પરંતુ મોટાભાગના દેશોમાં ડાંગર મુખ્ય ખોરાક છે. વિશ્વમાં તેની માંગ વધારે હોવાના લીધે તે મુખ્ય પાકોમાં પ્રથમ હરોળમાં છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને તામિલનાડુ જેવા કેટલાંય એવાં રાજ્ય છે, જ્યાં મુખ્ય પાક તરીકે ડાંગરની ખેતી થાય છે.
ડાંગરને વાવવાનો સમય:
વિકસિત જાતોની ડાંગરને વાવવાનો યોગ્ય સમય ૧૫ જૂન થી ૩૦ જૂન સુધી હોય છે, કારણ કે, ડાંગરના યોગ્ય ઉત્પાદન માટે યોગ્ય તાપમાન (૨૦ થી ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું) જરૂરી છે. ડાંગરમાં સારી ફૂટ માટે આટલું તાપમાન યોગ્ય રહે છે, એટલા માટે ડાંગરની ખેતી વધુ તાપમાન, ભેજ અને લાંબો સમય સૂર્યપ્રકાશ અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં કરવામાં આવે છે. ખેડૂત મિત્રો! પ્રાકૃતિક ખેતીમાં બાસમતી ડાંગરની રોપણીનો યોગ્ય સમય ૨૫ જૂનથી ૧૫ જુલાઈ સુધી છે.
ડાંગરની સુધારેલી જાતો:
ડાંગરની ખેતી માટે ડાંગરની જાત પસંદ કરવી મહત્ત્વની છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ડાંગરની PR વર્ગની PR -126, HKR-47 અને PR -114 પ્રકારની જાતો વાવી શકો છો, તેમ જ બાસમતી ગ્રુપમાં HBC -19, CSR—30, પૂસા બાસમતી-1, પૂસા બાસમતી-1121 વગેરે જાતો વાવવી જોઈએ. જ્યારે રાસાયણિક ખેતીમાં ખેડૂત લગભગ ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ એકર ખર્ચ કરે છે, ત્યારે પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં ખેડૂત નહિવત ખર્ચ કરીને વિકસિત જાતોથી ૩૦ થી ૩૨ ક્વિન્ટલ પ્રતિ એકર ડાંગરનું ઉત્પાદન લઈ શકે છે.
ગુજરાત રાજ્યમાં ભલામણ કરેલ ડાંગરની જાતોઃ
રોપાણ ડાંગર: જી.આર.૩, જી.આર. ૪, જી.આર.૬, જી.આર.૧૨
મધ્યમ મોડી : જી.આર.૧૧, જયા, દાંડી, જી.એ.આર. ૧૩, ગુર્જરી, અંબિકા
મોડી પાકતી : મસૂરી, જી.આર.૧૦૧, જી.આર.૧૦૨, નર્મદા
ઓરાણ ડાંગર : સાઠી ૩૪-૩૬, સુખવેલ, જી.આર.૮, અશોકા, પૂર્ણા
ડાંગરનો રોપ તૈયાર કરવો:
ડાંગર જુદા જુદા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ઊંડી તેમ જ મધ્યમ ગોરાડુ જમીન પૂરતા વરસાદવાળા વિસ્તારમાં ઉપયોગી બને છે. રોપ વાવવાનો સમય ડાંગરની જાતોની આયુષ્ય મર્યાદા અનુસાર કરો. જે ખેતરમાં ડાંગરનો રોપ તૈયાર કરવાનો છે, સૌથી પહેલાં તેની ખેડ કરીને સમતલ બનાવો જેથી કરીને રોપમાં સરખી રીતે પાણી આપી શકાય. પછી તેમાં ૧૦ કિલો ઘનજીવામૃતને પ્રતિ ૧૦૦ વર્ગ ફૂટ જમીનના પ્રમાણે નાખો. ત્યાર પછી હળવી ખેડ કરીને તેને માટીમાં ભેળવી દો. સાંતી વડે સમતળ બનાવી દો. ત્યાર પછી યોગ્ય બિયારણને બીજામૃતથી બીજ માવજત કરીને વાવી દો. લગભગ ૨૦ થી ૨૫ દિવસમાં રોપ તૈયાર થઈ જશે.
ડાંગરના રોપ ઉપર જીવામૃતનો છંટકાવ:
પહેલો છંટકાવ:- ડાંગરના બીજનું અંકુરણ થઈ જાય તેના એક અઠવાડિયા પછી ૧૫ લીટર પાણીમાં ૧ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. ધ્યાનમાં રાખો જીવામૃતનો છંટકાવ બપોર બાદ પાંચ વાગ્યે જ કરો. જ્યાં સુધી રોપ તૈયાર થાય નહીં ત્યાં સુધી આ રીતે છંટકાવ દરેક ૩ અથવા ૪ દિવસે કરતા રહો. જ્યારે નર્સરીના રોપાઓ ૮ ઇંચના થઈ જાય ત્યારે તેને ખેતરમાં રોપી દો.
નોંધ:- જીવામૃતનો છંટકાવ કરતી વખતે તેને જમીન ઉપર પડવા દો.
ખેતરની તૈયારી:
ડાંગરની રોપણી પહેલા લીલા પડવાશના રૂપમાં ઈકડ, શણ, મગ અથવા અડદનું લગભગ ૧૫ કિલો બિયારણ પ્રતિ એકર વાપરો, તેને ઉગાડીને તેની ઉપર ફૂલ આવે તેની પહેલાં ખેડ કરીને લીલા પડવાશના રૂપમાં માટીમાં ભેળવી દો. તેમ જ ૧ થી ર દિવસ પછી રોપની રોપણી કરો અથવા ખેડના પહેલા પ્રતિ એકર ૮ થી ૧૦ ક્વિન્ટલ ઘનજીવામૃત સરખા પ્રમાણમાં ખેતર ઉપર છાંટીને અંતિમ ખેડ કરી માટીમાં ભેળવી દો.
ખેતરમાં હળવી પિયત કરો અને ૧ થી ૨ દિવસ રહેવા દો. ડાંગરની રોપણી માટે ૧ અઠવાડિયા પહેલાં ખેતરને પાણી આપી દેવું જોઈએ. ખેતરની ફરતે મજબૂત પાળો પણ કરી દો, જેથી તેમાં વરસાદ વગેરેનું પાણી વહીને બહાર જતું ન રહે. પ્રાકૃતિક ખેતીમાં લીલા પડવાશની સાથે સાથે આગળના પાકના અવશેષો પણ ખેતરમાં સારી રીતે ભેળવી દો. કારણ કે, આ જ અવશેષો દ્વારા ખેતરના સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં અગણિત વૃદ્ધિ થાય છે. આ જ જીવાણુઓ ફરીથી ખેતીપાકને ભોજન પુરું પાડવામાં, તેમ જ તેનું પોષણ કરવામાં સહાયતા કરે છે.
ડાંગરનું સીધું જ બિયારણ વાવવાની પદ્ધતિ:
ડાંગરની સીધી વાવણી ગોરાડુથી લઈને ભારે ચીકણી માટીવાળી જમીનમાં કરવામાં આવે છે. ડાંગરની સીધી વાવણી કરવા માટે જમીન સમતલ હોવી જરૂર છે. ત્યાર પછી ઓરવણું કરીને ખેતર વરાપી જાય પછી તેમાં હલકી ખેડ કરીને તૈયાર કરો અને દંતાળથી હારમાં ડાંગરની વાવણી કરો. ખેતરમાં સીધી વાવણી સૂકી અથવા તો ભેજવાળી જમીનમાં પણ કરી શકાય છે. સૂકી જમીનમાં ડાંગરની વાવણી પછી બીજને ઊગવા માટે હલકા પિયતની આવશ્યકતા હોય છે. સીધી વાવણી માટે બાસમતી પ્રકારની જાત વધારે ઉપયોગી છે. આવી જાતોની સીધી વાવણી જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં કરી દેવી જોઈએ.
પિયતનું વ્યવસ્થાપન:
ડાંગરની સારી વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન માટે જમીનમાં સતત પાણી રહેવું જરૂરી હોતું નથી. ડાંગરની રોપણી દરમિયાન ભરેલું પાણી ૧૦ થી ૧૫ દિવસો સુધી સુકાવા ન દો, જેના લીધે નિંદામણને ઊગવા માટે જરૂરી વાતાવરણ મળશે નહીં. ત્યાર પછી ખેતરમાં ઘઉંના પાકની રીતે જ સિંચાઈ આપો. ડાંગરની ખેતી થોડા સમયના અંતરાલ ઉપર સિંચાઈ દ્વારા એટલે કે જમીનની સપાટી સુકાયા પહેલા સમય ઉપર પિયત આપીને પણ કરી શકાય છે, પરંતુ જમીનમાં સતત ભેજ રાખવો જરૂરી છે. આવું કરવાથી સિંચાઈ દ્વારા બરબાદ થતું લગભગ ૭૦ ટકા પાણી બચાવી શકાય છે.
જીવામૃત/ઘનજીવામૃતનો ઉપયોગ:
ડાંગરની રોપણી પહેલા જમીનની આખરી ખેડના પહેલા જમીન ઉપર ત્રણથી ચાર ક્વિન્ટલ ઘનજીવામૃત આપો. દરેક પિયત સાથે પ્રતિ એકર ૨૦૦ લીટર જીવામૃત આપો. જો પાકમાં ફૂટ તેમ જ રંગ યોગ્ય હોય તો જીવામૃતનો ઉપયોગ ઓછો કરો. પણ જો પાકની વૃદ્ધિમાં ખામી જણાય તો મહિનામાં ૨ થી ૩ વખત ૧૫ થી ૨૦ ટકા જીવામૃતનો છંટકાવ કરો. પાકનો ઘેરો રંગ કીટક તેમ જ રોગોને આમંત્રિત કરે છે, તેથી પાકની વૃદ્ધિ અને સ્થિતિને અનુરૂપ જીવામૃત તેમ જ ઘનજીવામૃતનો ઉપયોગ કરો. બે ત્રણ વર્ષો પછી જીવામૃત અને ઘનજીવામૃતની જરૂરિયાત ઓછી થઈ જશે. જ્યારે ડાંગરની લોર નીકળવાની શરૂ થાય ત્યારે પ્રતિ એકર ૧૫૦ લીટર પાણીમાં પાંચ લિટર નિમાસ્ત્ર ભેળવીને છંટકાવ કરો. જ્યારે લોર ૫૦% નીકળી જાય ત્યારે ૧૫૦ લીટર પાણીમાં ૫ લિટર ખાટી છાશ ભેળવીને પ્રતિ એકરના હિસાબે છંટકાવ કરો.
રોગ તેમ જ જીવાતનું નિયંત્રણ:
પાક ઉપર કોઈ બીમારી જોવા મળે તો પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત મુજબ બનાવવામાં આવેલા પ્રાકૃતિક જીવાતો નિયંત્રક જેમ કે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક તેમ જ ખાટી છાશનો યોગ્ય પ્રમાણ સાથે ઉપયોગ કરો.
નિંદામણનું નિયંત્રણ
ખેતરમાં લગભગ ૧૦ થી ૧૫ દિવસ સુધી પાણી ભરેલું હોવાથી નિંદામણને ઊગવાનો મોકો મળતો નથી. તેમ છતાં થોડું ઘણું નિંદામણ ઊગે તો તેને હાથ વડે નિયંત્રિત કરો.