પ્રાકૃતિક ખેતીનો અગત્યનો ભાગ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક દવાઓ
ખેડૂતોને આર્થિક રીતે સુખી, સમૃદ્ધ અને સશક્ત બનાવવા તથા લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો મળી શકે તે હેતુથી કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મોડ’ પર કામ થઈ રહ્યું છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં પાકનાં રક્ષણ માટે કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો અગત્યનો ભાગ ભજવે છે. જેમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.
પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ખર્ચ સાવ નહીવત હોવાથી વળી, મહત્તમ અને ચોખ્ખું ખેત ઉત્પાદન, બમ્પર આવક, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પાણીની ખૂબ બચત તેમજ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો સહિત અનેક ફાયદાઓ પ્રાકૃતિક ખેતી કરે છે.
ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા પાક સંરક્ષણ જરૂરી બની જાય છે. આ પરિસ્થિતિમાં પાક સંરક્ષણ દવાઓનો ઉપયોગ કરવો પડયો છે અને હાલની અન્નની જરૂરીયાતને પહોંચી વળવા માટે જંતુનાશકોનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે આથી આ રસાયણોનો વપરાશ અન્ન ઉત્પાદન જાળવીને કઈ રીતે ધટાડી શકાય તથા પર્યાવરણને થતા નુકસાનને ધટાડી શકાય તે અંગે સતત પ્રયત્નો જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં કુદરતી જંતુનાશક દવાઓ પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
પ્રાકૃતિક ખેતીમાં ફુગનાશકની ભૂમિકા ભજવતું જંતુનાશક શસ્ત્ર એટલે ‘સુંઠાસ્ત્ર’. તેને બનાવવા માટે ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૨ લીટર પાણીમાં એટલું ઉકાળવું કે અડધું થઈ જાય. ત્યારબાદ તેને ઠંડુ પાડવું. બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરવાથી ફૂગનો નાશ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક શસ્ત્રો ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વનાં પુરવાર થાય છે. અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન પણ કરી શકાય છે.
આ ઉપરાંત જંતુનાશક દવાઓની અવેજીમાં કુદરતમાં કીટકોના નિયંત્રણ માટે કુદરતે તેના પરજીવી-પરભક્ષીઓની રચના કરી છે. સામાન્ય રીતે આ પરજીવી-પરભક્ષીઓ પાકમાં નુકસાન કરતાં કીટકોની વસ્તી અંકુશમાં રાખે છે પરંતુ રાસાયણીક ખેતીમાં જંતુનાશક દવાના આડેધડ વપરાશથી જીવાતની સાથે સાથે આવા ઉપયોગી કિટકો પણ નાશ પામે છે અને આવા કીટકોની ગેરહાજરીમાં જીવાતની વસતી વધતી હોય છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવાં આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવાં જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે. જેનાથી સારા કિટકોને રક્ષણ મળે છે નુકસાનકારક કિટકો નાશ પામે છે.