નખત્રાણા વિસ્તારમાં ભૂમાફિયાઓ ગૌચર જમીન પચાવી રહ્યા છે, ક્યારે જાગશે તંત્ર

નખત્રાણા ખાતે આવેલ લાસા વિસ્તારની ગૌચર જમીનમાં વરસાદના કારણે ખેર, કુંભટ્ટ, દેશી બાવળ ઉગી નીકળતાં કેટલાક લોકો લીલી ઝાડીનું નિકંદન કાઢી પોતાની જમીનમાં વાડ બનાવી રહ્યા છે. તેમજ સરેઆમ જેસીબીથી કુંભટ્ટ અને ખેર જેવા વૃક્ષો કાઢી વગડાનો નાશ કરવામાં આવી રહ્યો છે. તથા ગેરકાયદે કોલસો પણ બનાવવામાં આવી રહ્યો છે, તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. કેટલાક સમયથી ચાલી રહેલી આ ગેરપ્રવૃત્તિના કારણે માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વનતંત્ર ગોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે માલધારી અટકાવવા જાય તો આ ઈસમો ધમકીઓ આપે છે. નખત્રાણા, નવાનગર, નાગલપર સહિતના વિસ્તારનું પશુધન અહીં ગૌચર જમીનમાં ચરીયાણ કરે છે પરંતુ ભૂમાફિયાઓના કારણે તેનો નાશ થઇ રહ્યો છે. તેમજ કોલસાઓની ભઠ્ઠીઓ પણ ધમધમી રહી છે. તો આ બાબતને ધ્યાને લઇ તંત્ર કાર્યવાહી કરે તેઈ લોક માંગ ઉઠી છે.