એમ્બુલન્સ વિના નિરોણા પી.એચ.સી.નુ આરોગ્ય તંત્ર ડગમગ્યું: ધારાસભ્ય ગ્રાન્ટ અથવા CSR ફંડની એમ્બુલન્સ પરત આપવાની માંગ કરાઇ…


નખત્રાણા તાલુકાના નિરોણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C.)માં છેલ્લા ઘણાં સમયથી એમ્બુલન્સ ન હોવાને કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, કેન્દ્રમાં અગાઉ ધારાસભ્ય ગ્રાન્ટ અને પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના CSR ફંડના આધારે બે એમ્બુલન્સ ફાળવવામાં આવી હતી, જે હવે અન્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે.
વર્તમાન સ્થિતિમાં નિરોણા P.H.C.ના ૨૫થી વધુ ગામડાં અને અંદાજે ૨૦થી ૨૫ હજારની વસ્તી એમ્બુલન્સ વિના આરોગ્ય સેવાઓથી વંચિત રહી છે. મમતા દિવસ, રસીકરણ, મેડિકલ કેમ્પ, ટી.બી., ડિલિવરી કે અન્ય ઇમરજન્સી જેવી તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં સ્થાનિક અગ્રતાની ગ્રાન્ટ હેઠળ આપવામાં આવેલી એમ્બુલન્સ તથા પાવરગ્રીડના CSR હેઠળ આપવામાં આવેલી બીજી એમ્બુલન્સ હાલ અન્યોને આપી દેવાઈ છે. આથી ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ માટે તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ નથી.
સરપંચશ્રી નરોત્તમભાઈ આહિરે ચિમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે બે માંથી એક પણ એમ્બુલન્સ નિરોણા પી.એચ.સી.ને પરત આપવામાં નહીં આવે તો આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ફરજ પડશે.
સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગે આ ગંભીર સ્થિતિનો તાત્કાલિક તાગ લેવો અને આ માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે.