ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકતો બાજરો : પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતાં બાજરાની માંગમાં થઈ રહ્યો છે સતત વધારો

     આપણાં રાજ્યના રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. કચ્છ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ અલગ અલગ પાકોનું વાવેતર અને તેની કાળજી પ્રાકૃતિક ઢબે કેવી રીતે રાખી શકાય તેની સંકલિત માહિતી સાથે માહિતીસભર લેખ આપવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે બાજરાનું વાવેતર કરી શકાય…પ્રાકૃતિક ખેતી દ્વારા બાજરો ઉગાડવો એ પરંપરાગત અને ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે એટલું જ નહીં પરંતુ પાકની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં પણ વધારો કરે છે. બાજરો દુષ્કાળ સહનશીલ પાક છે અને ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકે છે, જે તેને પ્રાકૃતિક ખેતી માટે યોગ્ય બનાવે છે.

            આ માટે સૌ પ્રથમ તો ખેતરને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત કરવું જોઈએ જેથી જમીનની જૈવિક પ્રવૃત્તિ જળવાઈ રહે. છાણિયું ખાતર, જીવામૃત, બીજમૃત અને ઘનજીવનામૃત જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને રોગોથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે.

           બાજરાની વાવણી સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત સાથે કરવામાં આવે છે, જ્યારે જમીનમાં ભેજ પૂરતો હોય છે. બીજને વાવણી પહેલાં બીજ અમૃતમાં પલાળીને રાખવાથી રોગો સામે લડવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે. બિયારણને સીધી હરોળમાં અથવા વાવણી માટે છંટકાવ પદ્ધતિ દ્વારા રોપવામાં આવે છે, જેનાં કારણે પાકનું નિરીક્ષણ અને નિંદણ સરળ બને છે. સિંચાઈની જરૂરિયાત ખૂબ જ ઓછી છે અને મોટાભાગે વરસાદને કારણે તે પૂરી થાય છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પાણી આપી શકાય છે.

                 નીંદણ નિયંત્રણ માટે રાસાયણિક દવાઓને બદલે હાથેથી નીંદણ કરવું અથવા મલ્ચિંગ જેવા પગલાંનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુઓથી બચાવવા માટે લીમડાનું દ્રાવણ, છાશ, લસ્સી અથવા ગૌમૂત્ર જેવા કાર્બનિક અર્કનો છંટકાવ કરવામાં આવે છે. પાક પાક્યા પછી પાકની કાપણી થાય છે. કાપણી કર્યા પછી, અનાજને તડકામાં સૂકવીને સંગ્રહિત કરવામાં આવે છે.

               આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર પર્યાવરણની જ સુરક્ષા નથી થતી પરંતુ ખેડૂતોનો ખર્ચ પણ ઓછો થાય છે. કેમિકલના કારણે થતાં આરોગ્યના નુકસાનમાંથી પણ લોકોને બચાવી શકાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતાં બાજરામાં સ્વાદ અને પોષણની માત્રા પણ વધુ હોય છે, જેનાં કારણે બજારમાં તેની માંગ પણ વધી રહી છે.