ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં હવે ઉનાળા દરમ્યાન પણ તસ્કરો રાત્રીના અરસામાં બંધ મકાનના તાળા તોડી તસ્કરી કરવામાં સફળ થઈ રહયા છે. શહેર નજીક આવેલા વાવોલની ડીફેન્સ કોલોનીના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી રોકડ અને દાગીના મળી ૧.૪પ લાખની મત્તા તસ્કરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિકને આ તસ્કરી અંગે જાણ થતાં સે-૭ પોલીસને બનાવથી વાકેફ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી. ગાંધીનગર શહેરમાં આમ તો શિયાળાની કડકડતી ઠંડી દરમ્યાન ઘરફોડ તસ્કરીના બનાવો વ્યાપક બનતાં હોય છે. દર વર્ષેુ શિયાળા દરમ્યાન ઘરફોડ તસ્કરીનો આંક વધી જાય છે પરંતુ હવે ઉનાળાની આકરી ગરમીમાં પણ તસ્કરો રાત્રીના અરસામાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરી કરવામાં સફળ થઈ રહયા છે. ઘરફોડ તસ્કરીની બનતી ઘટનાઓ સામે તેનો ભેદ ઉકેલાતા નથી ત્યારે શહેર નજીક વાવોલમાં વધુ એક ઘરફોડ તસ્કરીની ઘટના બનવા પામી હતી. વાવોલમાં આવેલી ડીફેન્સ કોલોનીના પ્લોટ નં ૧૮૫૮માં રહેતા અને મુળ રાજસ્થાનના સુથારી કામ કરતાં સુનિલ શિવપ્રસાદ જાગીડ કામ માટે સુરત ગયા હતા અને ત્યારબાદ તેમનો પરિવાર તા.૩૦એ મકાન બંધ કરીને વતન રાજસ્થાનમાં ગયો હતો. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં રહેલી તિજોરી અને કબાટમાંથી ૪૭ હજાર રૂપિયા રોકડા, પ૦ હજારનું મંગળસુત્ર, સોનાની વીંટી લોકેટ, સોનાના દોરા મળી ૧.૪પ લાખ રૂપિયાની મત્તા તસ્કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારના અરસામાં તેમના મોટાભાઈ રાજુભાઈને તેમનો ફોન આવ્યો હતો કે તારા મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો છે અને અંદર તલાશી કરતાં સામાન વેરવિખેર જણાયો હતો. જેથી સુનિલભાઈ તુરંત જ તેમના ઘરે પહોંચ્યા હતા અને તલાશી કરતાં તસ્કરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે સે-૭ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તસ્કરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા દોડધામ શરૂ કરી હતી.