રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન

default

23 ઓગસ્ટ 2023ના રોજ ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન-૩ મિશન પૂર્ણ થતા જ ભારત ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો. આ સાથે, તે દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ લાગણીસભર અને ગર્વસભર ક્ષણની યાદમાં દર વર્ષ ૨૩ ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઊભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગ રૂપે 22 અને 23 ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક્સપર્ટ ટોક, વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું અને પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોના રિટાયર્ડ ડેપ્યુટી, મેકેનિકલ સાયન્સ, ડાયરેક્ટર આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રુપ ડાયરેક્ટર (રિસર્ચ, આઉટરેજ, મેનેજમેન્ટ) ડૉ. ડી. રામ પાઠક દ્વારા એક્સપર્ટ ટોકનું આયોજન ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૯.૩૦ થી ૧૧ દરમિયાન યોજાશે. ઉપરાંત ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધામાં “મારા સપનાનું સ્પેસ સ્ટેશનઅને ભારતનું ચંદ્રયાન મિશન” વિષય પર A4 સાઇઝ કાગળ પર ચિત્ર દોરવાનું રહેશે.
એક્સ્ટેમ્પોર સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે જેમાં ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય એલ વન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને ગગનયાન જેવા વિષયો પર શીઘ્ર વ્યક્તવ્ય આપવાનું રહેશે અને ભારતની સ્પેસ સફર વિષય પર મહત્તમ ૧ મિનિટની રીલ બનાવવાની સ્પર્ધા યોજાશે જે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે બનાવવાની રહેશે. તમામ સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે અને દરેક સ્પર્ધાના ત્રણ વિજેતાઓ ઇનામો પણ આપવામાં આવશે. ભાગ લેવા તથા વધુ માહિતી માટે મોબાઈલ નંબર + 91 70439 24605 પર સંપર્ક કરવા જણાવાયું છે.