વડોદરા, શહેરના ગોરવા વિસ્તારમાંથી પોલીસે લૂંટને ઇરાદે નીકળેલા ત્રણ ઇસમોને પકડી પાડી સ્કૂટરમાંથી રિવોલ્વર અને કારતૂસ જપ્ત કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગોરવા કરોડીયા રોડ વિસ્તારમાં એક સ્કૂટર પર સવાર ત્રણ ઇસમોને પોલીસે અટકાવી તલાશી કરતા સ્કૂટરમાંથી રિવોલ્વર અને 9 કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેની પૂછપરછ કરતા સ્કુટરચાલકનું નામ મોઈન હારૂન રાઠોડ તેમજ તેની સાથે બેઠેલાનું નામ સુનિલ ઉર્ફે બંટી જશુભાઈ રાઠોડ બંને રહે.ગંગાનગર, ગોરવા તેમજ ત્રીજા એક ઈસમનું નામ મનહરસિંહ રૂપસિંહ રાણા રહે ઇન્દીરાનગર, કરચિયા, તા.સાવલી હોવાનું ખુલ્યું હતું. ત્રણેય જણા લૂંટના ઇરાદે સુભાનપુરા ખાતે ભેગા થઈ શિકારની શોધમાં રેકી કરવા નીકળ્યા હોવાનું ખુલતા પોલીસે વધુ પૂછપરછ જારી રાખી છે.