નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી- દૈનિક એક કલાક રમતને નામ

દેશના રમતહીરો અને હોકીના મહાન જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં  તા.૨૯ ઓગસ્ટના નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી દેશભરમાં થવાની છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગંત ૩૧ ઓગસ્ટ સુધી ત્રિ-દિવસીય કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવવાના છે. રમત-ગમત પ્રત્યે નાગરિકો, યુવાનો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતી આવે તથા રમતના માધ્યમથી નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત બની દૈનિક જીવનમાં રમતને અપનાવે તે હેતુ સાથે આ ત્રિ-દિવસીય કાર્યક્રમો દેશ, ગુજરાત સહિત કચ્છભરમાં પણ થવાના છે. ત્યારે રમતને પોતાનું પેશન બનાવીને નેશનલકક્ષાએ અનેક સિધ્ધિ હાંસલ કરનાર કચ્છ જિલ્લાના ભુજ શહેરના ગૌરવ એવા લોન ટેનિસ પ્લેયર તીર્થ દોશી સૌ નાગરિકોને “ એક ઘંટા ખેલ કે મેદાનમાં” એ સંકલ્પ સાથે રમતને જીવનનો એક ભાગ બનાવવા અપીલ કરે છે.

લોન ટેનિસમાં અન્ડર ૧૯માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ, વેસ્ટ ઝોન યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ , ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ, AITA સીરિઝમાં ચેમ્પિયન તથા જુનિયર કક્ષાએ બે વાર ચેમ્પિયન ૨૦ વર્ષીય તીર્થ દોશી જણાવે છે કે, રમત-ગમતને રોજ એક કલાક ફાળવીને વ્યક્તિ માનસિક અને શારિરીક સ્વસ્થતા સાથે મેદસ્વિતાને હરાવવા સક્ષમ બની શકે છે. આજે જ્યારે મેદસ્વિતાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે તેમજ બદલાતી જીવન શૈલીના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે રમતને જીવનનો ભાગ બનાવવો દરેક નાગરિક માટે અનિવાર્ય છે. રમતના કારણે તેના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન વિશે તીર્થ વધુમાં જણાવે છે કે, તેણે ૧૨ વર્ષની ઉંમરથી શોખના કારણે લોન ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ ધીરે ધીરે ટેનિસ મારું પેશન બની ગઇ , મહત્વની બાબત એ છે કે, રમતના કારણે મારી એકાગ્રતા, આત્મવિશ્વાસ તો વધ્યો સાથે શારિરીક રીતે પણ મને ખૂબ ફાયદો થયો. આજે આ રમત મારા શોખમાંથી મારા પ્રોફેશનમાં પરિવર્તીત થઇ ગઇ છે.

આજના સમયમાં દરેક વ્યક્તિએ રોજ એક કલાક મનગમતી રમતને ફાળવવો જોઇએ., એક કલાક રમતના મેદાનમાં ગાળેલો સમય જીવનને સ્વસ્થતા તરફ લઇ જવાનું સોપાન બની રહેશે. આ સાથે મારી વિદ્યાર્થીઓ તથા યુવાનોને અનુરોધ છે કે, શાળા કે કોલેજ કક્ષાએથી જ રમત પ્રત્યે રૂચિ કેળવીને તેમાં આગળ વધવું જોઇએ., આજે જયારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર રમતવીરોને અનેક રીતે પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે આપણા દેશના હીરો  જેવા કે, મેજર ધ્યાનચંદ, સાનિયા ર્મિઝા તથા મિલ્ખા સિંહ વગેરેની જેમ રમતને પેશન બનાવીને દેશનું નામ રોશન કરી શકીએ છીએ. તો ચાલો, “ એક ઘંટા ખેલ કે મેદાનમાં” સંકલ્પ સાથે નવી શરૂઆત કરીએ.

જિજ્ઞા વરસાણી