ગાંધીધામ શહેરના ભાવનગર નજીક આવેલી જનતા કોલોનીના એક મકાનમાં રેડ પાડીને પોલીસે રૂ. ૪૭,૨૫૦નો શરાબ કબ્જે કર્યો હતો. પરંતુ સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. જ્યારે શહેરના જૂની સુંદરપૂરી ધોબીઘાટ વિસ્તારમાં રૂ.૮૪૦૦ના શર્બ સાથે એક ઈસમની અટક કરવામાં આવી હતી. શહેરની જનતા કોલોનીમાં સાધુ વાસવાણી સોસાયટી મકાન નંબર ૨૪૦૫માં એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે રેડ પાડી હતી. આ મકાનમાં રહેનાર અને શરાબ વેચનાર રાજેશ શંકરલાલ સાવલાણી નામનો ઈસમ પોલીસને જોઈને ભાગી ગયો હતો. આ ઈસમના મકાનના રૂમમાં કોથળામાંથી પાર્ટી સ્પેશિયની ૭૫૦ એમ.એલ.ની ૧૩૫ બોટલ કિંમત રૂ. ૪૭,૨૫૦નો શરાબ કબ્જે કરાયો હતો. બીજીબાજુ જૂની સુંદરપૂરી ધોબીઘાટ વાલ્મિકીવાસમાં રહેતા રાહુલ ઉર્ફે ભીમો રાઘુ મકવાણા (વાલ્મિકી) નામના ઇસમના ઘરે પોલીસ ત્રાટકી હતી. તેના રૂમમાં કપડાના કોથળામાંથી મેકડોવેલ્સ નંબર ૧ અને બ્લૂ સ્કાય ડ્રાય જીનની ૨૪ બોટલ કિંમત રૂ. ૮૪૦૦નો શરાબ કબ્જે કરી આ ઇસમની અટક કરવામાં આવી હતી.