વરસાદી વાતાવરણ વચ્ચે બોર્ડર વિસ્તાર સહિતના ગામોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરતી પશ્ચિમ પીજીવીસીએલની ટીમ

૭ સપ્ટેમ્બરની રાતથી અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ, ખાવડા, કુકમા, ભુજોડી, દેશલપર, નખત્રાણા, રવાપર, કોઠારા, નલીયા, દયાપર, મુન્દ્રા, માંડવીના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના PGVCL ના ૧૬ JGY ફીડરો બંધ થઈ ૮૮ ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. ભારે વરસાદ અને પવનના લીધે અનેક વીજ થાંભલાઓ ધરાશયી થઈ ગયા હતા. વીજ થાંભલાઓ ધરાશયી થવા અને ફીડર બંધ થઈ જવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. પાણી ભરાવના લીધે ધરાશાયી થયેલા તમામ થાંભલાઓને ફરીથી ઊભા કરવામાં પીજીવીસીએલની ટીમે રાત-દિવસ વરસતા વરસાદની વચ્ચે પણ કામગીરી કરી હતી.
PGVCLના અધિકારીઓ, લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટરોએ વરસાદની સ્થિતિ વચ્ચે મિશન મોડમાં કામગીરી કરીને બધા જ JGY ફીડરો તથા બધા અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો. તદુપરાંત, દયાપર પાસે આવેલા ૩ બોર્ડર આઉટપોસ્ટના થાંભલાઓ તથા ખાવડા પાસે આવેલ ૧૧ બોર્ડર આઉટ પોસ્ટના થાંભલાઓ પડી જવાથી અને વીજલાઇનોને નુકશાન થવાથી વીજ પ્રવાહમાં વિક્ષેપ થયો હતો. પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને કપરી પરિસ્થિતિમાં પણ થાંભલાઓ ઉભા કરી વીજ પ્રવાહ પુન: સ્થાપિત કર્યો હતો.