‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત મહિલા તથા કિશોરીઓને વજન, ઊંચાઇ, હિમોગ્લીબીનની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓએ લાભ લીધો હતો. પોષણમાસ ૨૦૨૫ની ઉજવણી અન્વયે બાળ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોના વાલીશ્રીને પોષણ યુક્ત ખોરાક, કુપોષણ સાથે બાળકોને મળતી સુવિધાઓની વિશેષ માહિતી અપાઈ હતી. કેમ્પમાં કિશોરીઓનું વજન, ઊંચાઇ, હિમોગ્લીબીન સહિતની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃતી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ભચાઉ, દયાપર, આમરડી તથા વીરા સહિતના ગામના આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરો યોજાઇ હતી. ભચાઉમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય શિબિરોમાં કિશોરીઓની, મહિલાઓની આરોગ્ય ચકાસણી, સર્ગભા માતાની તપાસ, આંખ, દાંત, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેક-અપ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ, ટીબી સ્ક્રીનિંગ, NCD, મેલેરિયા, ડેન્ગ્યુ માટે જરૂરી સ્કીનિંગ, રસીકરણ સેવાઓ, ટેલિમેડિસિન સુવિધાઓ સહિતની આરોગ્ય ચકાસણી ઉપરાંત પોષણ, પી.એમ.જે.એ.વાય. કાર્ડ માટે નોંધણી, આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ એચઆઈવી, એઈડ્સ, ટીબી, આરોગ્યની વિવિધ યોજના અને કાર્યક્રમો વિશે અને RTI અધિનિયમ તથા હેલ્પલાઇન નંબરોથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ સાથે પોષણ માસની પણ ઉજવણી કરવામાં આવી હતી. બાળ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોના વાલીશ્રીને પોષણ યુક્ત ખોરાક, કુપોષણ વિશે તેમજ બાળકોને મળતી સુવિધાઓ વિશે માહિતી અપાઈ હતી. આ સાથે આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય કેન્દ્રોમાં ખાસ કરીને તરૂણીઓની આરોગ્ય તપાસ કરાઇ હતી. જેમાં વજન, ઊંચાઇ, હિમોગ્લોબીનની તપાસ સાથે મહિલા અને કિશોરીઓને માસિક સ્વચ્છતા, પોષણયુક્ત ખોરાક માટે તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.