ભારત સરકારના કૃષિ-ડેરીના ઉદ્યોગના હિતમાં લેવાયેલા નિર્ણય બદલ કચ્છના સાંસદશ્રી તથા ધારાસભ્યોશ્રીએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો


વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારીતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. ત્યારે પશુપાલકો અને સહકારી મંડળીઓના હિતમાં વડાપ્રધાનશ્રી દ્વારા લેવાયેલા આ દૃઢ નિર્ણયથી ખૂશ કચ્છના સાંસદ તથા ધારાસભ્યોશ્રીએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યકત કર્યો હતો.
વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી – વોકલ ફોર લોકલ- વિદેશથી કૃષિ – દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનશ્રીના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણય બદલ સાંસદશ્રી વિનોદ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીર સહિતના પદાધિકારીઓ દ્વારા પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.