ભુજ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસગાથાને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબર થી તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભુજ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે ભારત નવી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. કચ્છમાં ૧૨ હજારથી વધુ રોજગારીનો લાભ મળ્યો છે તેમજ કચ્છમાં રોજગારીની નવી તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી સહયોગ આપે તેવી તેમણે અપીલ કરી હતી. સાંસદશ્રીએ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને આજના અવસરે નિમણુંકપત્ર મળ્યાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ ઉમેર્યું હતું કે, ભુકંપ બાદ બેઠા થયેલા કચ્છને નવી દિશા સાથે નવી ગતિ આપનાર તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રીના કારણે કચ્છમાં ઉદ્યોગીકરણનો વિસ્તાર થયો છે. રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. વડાપ્રધાનશ્રીએ યુવાનોના કૌશલ્યને પારખીને તાલુકાદીઠ આઇટીઆઇની સવલતો પુરી પાડીને યુવાનોને આવનારા સમય માટે તૈયાર કરવા અલાયદું માળખું ઉભું કર્યું છે. આમ, રોજગારીના સર્જન માટે સરકારે અવસરો પારખીને સગવડ, સવલતો સાથે નવી તકો ઉભી કરી છે. જેથી ગુજરાતમાં રોજગારીનો દર વધ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, યુવાનો ભવિષ્યનું ભારત છે. રોજગારી માટે માત્ર નોકરીનો પરંપરાગત ખ્યાલ જ નહીં પરંતુ આજના સમય મુજબ યુવાનોએ સ્કીલને ડેવલપ કરીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમનો ભાગ બનવું પડશે. વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ઈન્ડસ્ટ્રીઝ, ઈકોનોમિ અને સ્ટાર્ટઅપ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે. ત્યારે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે અપાતી સહાય સહિતની યોજનાઓનો તેમણે લાભ લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે MOU પણ કરવામાં આવ્યા હતા.
આ સમારોહ દરમિયાન ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વચ્ર્યુંઅલી જોડાઇને રાજ્યમાં થયેલા વિકાસની છણાવટ કરીને વેરાન કચ્છના રણમાં રીન્યુએબલ એનર્જી પાર્ક ઉભો કરી તેને રાજ્યનું ગ્રોથ એન્જિન બનાવનાર વડાપ્રધાનશ્રીના દષ્ટિવંત નેતૃત્વ તથા રોજગારીની તકોના સર્જન વિશે યુવાનોને માહિતગાર કર્યા હતા.
ભુજ આઈ.ટી.આઈના આચાર્ય બી.એમ.પરસાણીયા આભાર વિધી કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી,પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગારના તાલીમાર્થી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.