ઘરના દ્વારથી શાળાના ઉંબરા સુધી વિદ્યાર્થીઓને પહોંચાડતી રાજ્ય સરકારની કલ્યાણકારી પરિવહન યોજનાએ કચ્છમાં અનેક બાળકોના શિક્ષિત થવાના સમણાં સાકાર કર્યા


મને ભણીને પાઇલોટ બનવું છે, હું જ્યારે આકાશમાં વિમાન જોઉં છું ત્યારે મને પણ મોટી થઇને વિમાન ઉડાડવાની ઇચ્છા થાય છે. આ માટે મારે ખૂબ અભ્યાસ કરીને હોંશિયાર વિદ્યાર્થિની બનવું છે. જો કે, મારું આ સપનું સાકાર કરવા હું શાળાએ ન આવી શકી હોત જો સરકાર દ્વારા મને મફત વાહનની સુવિધા આપવામાં ન આવી હોત. મારા ફોટડી ગામની શાળા મર્જ થઇ ત્યારે મારા ગામથી દૂરની શાળામાં મૂકવા માટે મારા માતા-પિતા ખચકાતા હતા. વાહન વગર રોજ દૂરની શાળામાં લેવા-મૂકવા કેમ જવાશે તેમજ હું નાની હોવાથી એકલી બસ કે અન્ય વાહનમાં આવી શકું એમ ન હોવાથી પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઇ ગયો હતો. પરંતુ સરકારી વાહન પોતે જ બાળકોને ઘરેથી લઇ જશે અને મૂકી જશે તેવું જણાવતા મારા વાલીની શાળાએ મૂકવાની ચિંતા ટળી હતી. હવે હું મારા ગામના બીજા મિત્રો સાથે ખૂબ મજા સાથે રોજ સામત્રા પ્રાથમિક શાળામાં આવું છું અને દિલથી અભ્યાસ કરું છું એવું સામત્રા પ્રાથમિક શાળામાં ફોટડી ગામથી આવતી ધો.૬ની વિદ્યાર્થિની મૈત્રી રબારીએ જણાવ્યું હતું.
જે રીતે ઉજ્જ્વળ કારર્કિદી ઘડવા મૈત્રી શાળાએ જઇ રહી છે, તે જ રીતે કચ્છમાં ૨૦૭૫ જેટલા બાળકોને ગુજરાત સરકાર તેમના ઘરેથી છેક શાળાના પ્રાંગણ સુધી લેવા – મૂકવાની વ્યવસ્થા પુરી પાડીને તેમના સોનેરી ભવિષ્યને ઘડી રહી છે. રાજ્યના એક પણ બાળકને પરિવહનના અભાવે અભ્યાસ ન છોડવો પડે તે માટે રાજ્ય સરકાર તમામ દરકાર લઇ રહી છે. કચ્છ અંતરિયાળ વિસ્તાર હોવાથી બાળકોને શાળાએ જવા મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના થકી વિદ્યાર્થીઓ ઘરના આંગણાથી શાળા સુધી સુરક્ષિત રીતે પરિવહન કરી રહ્યા છે. આ સુવિધાના કારણે સૌથી સુખદ પરીણામો એ મળ્યા છે કે, શાળામાં બાળકની નિયમિતતા વધતા કુલ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, તેમજ કન્યા શિક્ષણમાં પણ સુધારો જોવા મળ્યો છે. દીકરીને દૂરની શાળામાં સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી લેતા અનેક વાલીઓ આર્થિક બોજ અને ચિંતાથી મુક્ત બની વ્હાલી દીકરીઓના સપના પુરા કરવા શાળાએ મુકી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં મફત શાળા વાહનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો, ૧૦૨૭ કુમારની સાથે અભ્યાસવાંચ્છું ૧૦૪૮ દીકરીઓ સરકારી શાળા વાહનનો ઉપયોગ કરીને અભ્યાસ કરી રહી છે. વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ની વાત કરીએ તો, ૧૯૪૮ બાળકો, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો, બાલ વાટિકામાં ૧૦૪, પ્રાથમિક ધો.૧ થી ૫માં ૧૩૧૭ જ્યારે ઉચ્ચ પ્રાથમિકમાં ૭૦૭, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં ૨૩૦ વિદ્યાર્થીઓ, સહિત કુલ ૨૩૦૫ છાત્રો સરકારી શાળા વાહનનો ઉપયોગ કરી પ્રાથમિક શાળામાં અભ્યાસ સાથે ખિલખિલાટ કરી રહ્યા છે.
આરટીઈ એક્ટ – ૨૦૦૯ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ગુજરાત આરટીઈ રુલ્સ-૨૦૧૨ નિયમ-૫ મુજબ જ્યાં બાળકના ઘરથી પ્રાથમિક શાળાનું અંતર ૧ કિ.મી. થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર ૩ કિ.મી. થી વધુ હોય તેવા બાળકોને ટ્રાન્સપોર્ટ સુવિધાનો લાભ મળવાપાત્ર છે. વધુમાં સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીના રહેણાંકથી ૫ કિ.મીથી વધુ અંતર આવેલી સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
સામત્રા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિલીપસિંહ જાડેજા જણાવે છે કે, અમારી શાળાની આસપાસ આવેલા ગામ તથા પરાના બાળકો માટે ત્રણ સરકારી વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. સવાર અને સાંજ બંને પાળીમાં અભ્યાસ કરતા બાળકો માટે આ સુવિધા છે. ૧૦૦થી વધુ બાળકો શાળા પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે. આ સેવાના કારણે દૂરના ગ્રામીણ ક્ષેત્રના પછાત તથા વંચિત સમુદાયના બાળકોને ખાસ લાભ થયો છે. જે બાળકોના માતા- પિતા તે ખાનગી પરિવહનનો ખર્ચ ઉપાડી શકવા સક્ષમ નથી તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ બાળકને એકલું મુકવું શક્ય નથી તે પરીબળો હવે અભ્યાસ આડે આડખીલીરૂપ નથી. હવે મફતમાં સરકારી વાહનની સુવિધા થકી અનેક બાળકોને ઉડવા માટે ખુલ્લુ આકાશ પ્રાપ્ત થયું છે. ખાસ કરીને, કન્યા કેળવણીમાં સુધારો જોવા મળ્યો છે. જે સરકારી વાહનો નીમવામાં આવે છે તેમાં બાળકોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ખાસ કરીને, ગાડીની સ્થિતિ તેના દસ્તાવેજો તથા ડ્રાઇવરની પોલીસ ચકાસણી સહિતની તમામ બાબતો ચકાસવામાં આવે છે.
ફોટડી ગામના વાલી કમુબેન રબારી આ અંગે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, અમારા ઘરથી સામત્રા પ્રાથમિક શાળા ૦૪ કીમી દૂર છે. આ યોજનાનો લાભ લેવા પહેલા નાનકડી દીકરીને એકલી શાળાએ કેમ મોકલવી તે પ્રશ્ન હતો. તેમના પિતા કામમાં વ્યસ્ત હોય તેમજ મને વાહન આવડતું ન હોવાથી વાહન વગર કઇ રીતે પુત્રી શાળાએ જશે તે વિમાસણ હતી. પરંતુ હવે સરકારી વાન ઘર આવી દીકરીને લઇ અને મૂકી જાય છે. ઉપરાંત મારી દીકરી શાળાએ સુરક્ષિત રીતે આવજાવ કરે છે અને વાનના કોઇ પૈસા પણ અમારે આપવા પડતા નથી. જે ખૂબ જ સારી બાબત છે. જેના માટે અમે સમગ્ર શિક્ષા અભિયાન અને ગુજરાત સરકારનો આભાર માનીએ છે.
ઉલ્લેખનીય છે કે, આ કલ્યાણકારી યોજના થકી પરીવાર ઉપર બાળકને શાળાએ લેવા- મુમૂકવામાંથી રાહત મળવાની સાથે સાથે મફત પરિવહન સુવિધા હોવાથી આર્થિક બોજમાંથી પણ મુક્તિ મળે છે. આ સાથે માતા પિતા નિશ્ચિત થઇ બાળકને સુરક્ષિત રીતે શાળાએ મોકલી શકે છે. આ નાની લાગતી બાબતોના કારણે બાળકની શાળામાં નિયમિતતા વધે છે. બાળકની હાજરી વધતા ભણતર ઉપર હકારાત્મક અસર થાય છે અને જેના કારણે સમગ્ર શાળાઓમા સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટે છે. અને પરીણામ વધે છે.
બોક્ષ:
વાહન માલીકને બાળક દીઠ રૂ. ૬૦૦ મળતા ગ્રામીણોમાં રોજગારીની તક વધી
નિયમોનુસાર વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારી પ્રાથમિક શાળા અને સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહે છે. વાહન રાખનારને બાળક દીઠ ૬૦૦ રૂપિયા માસિક સરકાર દ્વારા આપવામાં આવે છે. આમ, બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં ખાનગી વાહનધારકોને દૈનિક રોજગારી પણ મળી રહે છે.
જિજ્ઞા વરસાણી