આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ વિથોણ અને રવ જીલ્લા પંચાયત બેઠક પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા

રાષ્ટ્રના ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નસમા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા અનુસાર જીલ્લા પંચાયતની બે વિવિધ બેઠકો વિથોણ અને રવ બેઠકો પર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઉપરોક્ત બંન્ને બેઠકોમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા.

આ અભિયાન અન્વયે વિથોણ જીલ્લા પંચાયત બેઠક અંતર્ગત મંગવાણા ગામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહના મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતા વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર આજે ખુબ ગતિશીલ રીતે વિશ્વસ્તરે ધબકી રહ્યું છે. અર્થતંત્રના આ પ્રવાહને જોતા મોદીજીએ વર્ષ 2047 માં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે નેમ વ્યક્ત કરી છે એની સંકલ્પપૂર્તિ માટે ભારતે દરેક ક્ષેત્રે હવે આત્મનિર્ભર બનવાનો સમય આવી ચુક્યો છે. આત્મનિર્ભરતા એ માત્ર એક આર્થિક વ્યવસ્થાનો ભાગ નથી પરંતુ માનસિક આદત પણ છે. પ્રત્યેક ભારતીયએ સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા થવું એ જ સાચી આત્મનિર્ભરતા છે.

આ સમારોહમાં સહવકતા તરીકે સુરેશભાઈ સંગારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પૂર્વે બેઠકના પ્રારંભે સર્વે ઉપસ્થિતોનું સ્વાગત પ્રવચન નખત્રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલે કર્યું હતું જ્યારે આત્મનિર્ભર ભારતના સંકલ્પ જીલ્લા અનુસૂચિત મોરચાના મહામંત્રી રવિભાઈ ગરવાએ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાણા તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડે કર્યું હતું જ્યારે આભારવિધિ એટીવીટી સદસ્ય ધર્મેન્દ્રગિરી ગોસ્વામીએ કરી હતી.

સમારોહમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, કચ્છ જીલ્લા ભાજપ કિસાન મોરચા અધ્યક્ષ પરસોત્તમભાઈ વાસાણી, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત સદસ્યો નયનાબેન પટેલ, જયાબેન ચોપડા, નખત્રાણા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ નરસિંઘાણી, નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, નખત્રાણા એપીએમસી ચેરમને હંસરાજભાઈ કેશરાણી, , નખત્રાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મંગળાબેન વાઘેલા, નખત્રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, બાબુભાઈ ચોપડા સહિત વિવિધ ગામના સરપંચશ્રીઓ, અનેક સામાજીક, ધાર્મિક, સેવાકીય આગેવાનો, વ્યાપારી અગ્રણીઓ સહિત બેઠક હેઠળ સમાવિષ્ટ ગામોના રહેવાસીઓ વિપુલ સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

એવી જ રીતે રાપર તાલુકાની રવ જીલ્લા પંચાયત બેઠકનું સ્નેહમિલન શ્રી રવેચી માતાજી મંદિર, મોટી રવ ખાતે યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહમિલન સમારોહને સંબોધતા દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે હવેથી આપણે સૌ ‘સ્વદેશી અપનાવો’ અને ‘આત્મનિર્ભર – સ્વકેન્દ્રીત ભારત રાષ્ટ્ર’ ની દિશામાં સાથે મળીને સામૂહિક પ્રયત્નોના ભાગરૂપે ભારતવર્ષને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મોદી સાહેબે કંડારેલી સ્વપ્નકેડી પર મક્કમ મનોબળ સાથે ડગ ભરતા રહીએ એ આજના સમયની આવશ્યક જરૂરિયાત છે. ભારતના આર્થિક હરણફાળની કમાન ફક્ત આપણે સૌ દેશવાસીઓ પાસે જ રહેવી જોઈએ જેથી કરીને આપણે વિશ્વની કોઈ પણ સત્તા સામે બિચારા થવાની નોબત ક્યારેય નહીં ઉદ્ભવે.

આ પ્રસંગે તરીકે ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન રાપર તાલુકા ભાજપ અધ્યક્ષ નસાભાઈ દૈયાએ કર્યું હતું જ્યારે સમગ્ર સમારોહનું સંચાલન કરીને આત્મનિર્ભર ભારતના સંકલ્પ રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ લેવડાવ્યા હતા તેમજ આભારવિધિ જીલ્લા પંચાયત સદસ્ય વણવિરભાઈ સોલંકીએ કરી હતી.

રાપર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, રાપર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, વિસ્તારના અગ્રણીઓ રાજુભા જાડેજા કૌશિકભાઈ બગડા, રાપર તાલુકા પંચાયત શાસકપક્ષ નેતા મોહનભાઈ બાયડ, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્યો બિજલભાઈ આહિર, શક્તિસિંહ જાડેજા સહિત વિવિધ શક્તિકેંદ્રના સંયોજકો, બુથ પ્રમુખો, સરપંચો, ઉપ સરપંચો સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.