કચ્છના કનકપુરના ખેડૂત પ્રદિપભાઈનો નવતર પ્રયોગ : ગાય આધારિત ખેતીથી શેરડીનો પાક લઈ જાતે બનાવ્યો શુદ્ધ દેશી ગોળ

કચ્છના રણની પથરાળ, ઉજ્જડ જમીનને ખેડીને સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી નજીવા ખર્ચ સામે ગુણવત્તાયુક્ત મબલક શેરડીનું ઉત્પાદન મેળવી ગુજરાતભરમાં પોતાના દેશી ગોળની નિકાસ કરી મહત્તમ આવક મેળવી રહેલા ખેડૂત શ્રી પ્રદિપભાઈની પ્રાકૃતિક ખેતીક્ષેત્રે કરેલી ઈનોવેશનની ક્રાંતિ વિશે જાણીએ….
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે. આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયાણિક ખેતીથી થતાં ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામના રહેવાસી ખેડૂત પ્રદિપભાઈ ભીમજીભાઈ ડાયાણી ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. ૩૦ એકર જેટલી વાડીમાં શેરડી, ઘઉ, બાજરી, શાકરટેટી, પપૈયા તથા શાકભાજી સહિત વિવિધ પાકો લઈ રહ્યા છે. જેઓ પ્રાકૃતિક ખેતીથી શેરડીનો પાક લઈ તેમાંથી જાતે દેશી પદ્ધતિથી શુદ્ધ ગોળ બનાવી બમણી આવક મેળવી રહ્યા છે.
ખેડૂત પ્રદિપભાઈ જણાવે છે કે, શરૂઆતમાં અમે રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતાં. રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતાં. તેથી જમીનમાં સુક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઇ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેમને થયેલા ફાયદા વિશે વાત કરતા પ્રદિપભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી. જેમાં પાક માટે જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક સહિત બધુ જ જાતે બનાવી શકાય છે. જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી. જીવામૃતના ઉપયોગથી જમીનમાં સુક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે. પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવત્તા સુધરી છે. ઉપરાંત પ્રાક઼ૃતિક ખેતી થકી જમીનમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે, તેથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. શરૂઆતમાં મે એક એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, ધીમે ધીમે તેમાં વધારો કરીને આજે સંપૂર્ણ જમીનમાં દરેક પાકનું વાવેતર પ્રાકૃતિક ખેતી પદ્ધતીથી કરું છું તેવું પ્રદિપભાઈએ જણાવ્યું હતું.
આ સાથે ખેડૂતશ્રી પ્રદિપભાઈએ પોતાના નવતર પ્રયોગ વિશે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત શેરડીનો પાક મળી રહ્યો છે. શરૂઆતમાં ખાલી શેરડીના વેચાણથી પ્રમાણમાં ઓછી આવક થતી હતી. તેથી ઈનોવેશનના વિચાર સાથે અમે ૭,૮ ખેડૂતોએ ભેગા મળીને શેરડીમાંથી જાતે જ ગોળ બનાવાની શરૂઆત કરી છે. કનકપુર ગામમાં ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરીને શેરડમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવી રહ્યા છીએ. શેરડી સાથે ગોળની વડોદરા, રાજકોટ, અમદાવાદ, કચ્છ સાથે ગુજરાતભરમાં નિકાસ કરી રહ્યા છીએ. હાલ અમને શેરડીના ભાવ સામે શુદ્ધ દેશી ગોળના વેચાણથી ડબલ આવક સાથે સારો નફો થઈ રહ્યો છે.
ખેડૂતશ્રી પ્રદિપભાઈ કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતાં પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે. તેથી પ્રાકૃતિક પદ્ધતિથી ઝેરમુક્ત ખેતી કરીને જમીન,પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન કરીએ.
– જિજ્ઞા પાણખાણીયા