કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે “એકતા યાત્રા”નું આયોજન થશે

ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત “યુનિટી માર્ચ” એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાની તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. 

કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી સંદર્ભે એક રથનું આગમન થશે. આ સાથે જ કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NCC, NSS કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે. 

કચ્છ જિલ્લામાં તા. ૦૯ નવેમ્બરના રોજ અબડાસા, ૧૦ નવેમ્બરના રોજ રાપર, ૧૩ નવેમ્બરના રોજ માંડવી, ૧૪ નવેમ્બરના રોજ અંજાર, ૧૫ નવેમ્બરના રોજ ભુજ તેમજ ૧૬ નવેમ્બરના રોજ ગાંધીધામ ખાતે યોજાશે. આ એકતા યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. 

પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ, વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે. 

કલેક્ટરશ્રીએ પદયાત્રા આયોજન અંગે માહિતી વિસ્તૃતમાં માહિતી આપીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સરકારશ્રીની તથા સામાજિક સંસ્થાઓ સક્રિય રીતે ભાગ લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. 

આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.