રાષ્ટ્રગીત “વંદે માતરમ્ @૧૫૦° વર્ષની ઉજવણી

કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમે્ ભારતના આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૫૦માં રાષ્ટ્રીય ગીત તરીકેની માન્યતા મેળવનાર વંદે માતરમ્ ગીતે ભારતની આઝાદી સમયે નાગરિકો તથા સ્વાતંત્ર્યવીરોમાં શૌર્ય દેશપ્રેમ, રાષ્ટીય એકતા સાથે અનેરો ઉત્સાહ અને ભરીને દેશવાસીઓમાં વિશ્વ બંધુત્વતાની ભાવના જગાડી છે. આ ગીતને પ્રસિદ્ધ થયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે. શાળા કોલેજોમાં રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે, આપણા રાષ્ટ્રગીતની ઉજવણીમાં આપણે સહભાગી બનીએ તથા ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપીએ તેવો અનુરોધ ભુજ તાલુકાના રાયધણપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાશ્રી ઉન્નતીબેન ભટ્ટે કર્યો હતો.

શિક્ષિકાશ્રી ઉન્નતીબેન ભટ્ટે જણાવ્યું હતું કે, કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ વિવિધતામાં એકતા ધરાવતી ભારતભૂમિની સૌંદર્યતા નિહાળીને વંદે માતરમ્  ગીતની રચના કરી હતી. વંદે માતરમ્ ગીતે ભારતને રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. આ ગીતમાં ભારતની ઐતિહાસિક ધરોહર, સંસ્કૃતિ અને કુદરતી સંપતિના સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે સૌ નૈતિક ફરજના ભાગરૂપે સાંસ્કૃતિક વિરાસતનું જતન સંવર્ધન કરીએ અને એકજુટ બનીને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરીએ.

આ સાથે જ ઉન્નતીબેન એ નાગરિકો તથા દરેક યુવાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારત જ્યારે વિકસિત ભારતનું સ્વપ્ન સેવી રહ્યું છે ત્યારે દેશના સાંસ્કૃતિક વારસાનું જતન કરીએ, પર્યાવરણનું રક્ષણ કરીને આપણે તન,મન અને ધનથી દેશના વિકાસમાં સહભાગી બનીએ.વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સ્વદેશી અપનાવીએ અને દેશની આર્થિક પ્રગતિમાં ફાળો આપીએ.

૦૦૦૦૦