કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ  સમિતિની બેઠક યોજાઈ

   આજરોજ ભુજ ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કચ્છ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

        સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ રોડ રસ્તાઓનું સમારાકામ, ખેતી સહાય, પેયજળ વિતરણ અને આરોગ્ય અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્યશ્રીએ પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા, વોટરશેડ, કેનાલ રિપેરીંગ, નેશનલ હાઈવ-સ્ટેટ હાઈવે અને જીએસઆરડી દ્વારા રોડ રસ્તાનું સમારકામ, કંપનીમાં સ્થાનિકોને રોજગારી, નખત્રાણામાં ટાઉનહોલ માટે જમીન ફાળવણી, જાબરી અને તલ-લૈયારી ડેમનું કાર્ય, જુના હક્કપત્રો, નખત્રાણા બાયપાસ, કાયદો અને વ્યવસ્થા, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને દંડની વસૂલાત, એસટી બસ, ગૌચર જમીન, પેયજળ શુદ્ધતા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.

        ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે નેશનલ હાઈવેથી નાગોર ગામની રોડ કનેક્ટિવીટી, ભુજ-ભીમાસર હાઈવે સમારકામ, પીવાના પાણીનું આયોજનપૂર્વક વિતરણ વગેરે પ્રશ્નોની રજૂઆત કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી.

        ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ ટ્રાફિક નિયમન, રોડ રસ્તાઓનું ઝડપથી સમારકામ, કંડલા પોર્ટને કનેક્ટ કરતા રોડ પર ડાયવર્ઝન અને ટ્રાફિક નિયમન, ખેડૂતોને સિંચાઈ માટે પાણી વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ કન્યુઝ્યુમર પેટ્રોલ પંપના ધારાધોરણ, સ્પેશિયલ ઈકોમોનિક ઝોનમાંથી વિકાસકાર્ય માટે મંજૂરી, રોડ રસ્તાનું સમારકામ, વોટર પ્યુરીફીકેશન પ્લાન્ટ વગેરેને લઈને પ્રશ્નોની રજૂઆત કરી હતી.

        સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડાએ અબડાસા તાલુકાના ડુમરાના ખેડૂતોની સાંથણીની જમીનના હક્કો, નર્મદા કેનાલ સર્ધન લિંક કામગીરી બાબતે ખેડૂતોની રજૂઆતો, અબડાસા વિસ્તારના ઘોરાડ અભ્યારણ્યમાં વીજ કનેક્શન, સિંચાઈની સિઝનમાં જરૂરિયાત મુજબ પાણી વિતરણ, ખેડૂતોને ચોવીસ કલાક વીજપુરવઠો વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.

        કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે પ્રજાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક નિવારણ લાવવા અંગે સૂચના આપીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉદેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

         આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.