અંતરજાળ ગ્રુપ શાળાના શિક્ષિકા ઉષાબેન વણકરનો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો

અંતરજાળ ગ્રુપ શાળામાં ૨૧ વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વકની નિઃસ્વાર્થ સેવાઓ આપનાર આદરણીય શિક્ષિકા શ્રીમતી ઉષાબેન વણકરનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ અત્યંત ભાવવિભોર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે શિક્ષણ જગતના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમના પ્રારંભે ઉષાબેનનું શાળાના તમામ બાળકો અને સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી જયેન્દ્ર ગઢવી દ્વારા પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળાની નાની બાળાઓએ મનમોહક સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સન્માન અને સ્મૃતિ વંદના આ અવસરે ઉપસ્થિત મહેમાનો, BRC, CRC અને સિનિયર સ્ટાફનું પુસ્તક અને ગુલાબનું ફૂલ આપી સન્માન કરાયું હતું. ઉષાબેને અંતરજાળ શાળામાં વિતાવેલા ૨૧ વર્ષના સુવર્ણકાળની યાદોને વાગોળતા શાળાના શિક્ષિકા દક્ષાબેન ભાટી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના મ.શિક્ષિકા શ્રી રૂતાબેન ડોડીયા દ્વારા સ્મૃતિલેખનું વાંચન કરવામાં આવ્યું હતું. એક વિદ્યાર્થીનીએ પણ પત્ર વાંચીને ઉષાબેનના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
અંતરજાળ, કિડાણા, શિણાય અને ગ્રુપ શાળા હેઠળ આવતી તમામ શાળાઓના સ્ટાફ દ્વારા ઉષાબેન વણકર નું વિશેષ સન્માન કરી ભેટ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે ગાંધીધામ શિક્ષક સમાજના પ્રમુખ ભુપતસિંહ સોઢા, BRC લાલજીભાઈ ઠક્કર, CRC જીગ્નેશ ચૌધરી, અંતરજાળ ગ્રુપની પેટા શાળાના તમામ આચાર્યશ્રીઓ અને સ્ટાફગણ તેમજ પૂર્વ આચાર્ય શામતભાઈ બોરીચા (આહીર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય શિક્ષણ અગ્રણીઓમાં પંકજ પટેલ, ભાવનાબેન પંડ્યા, ગૌતમ ભારથી એ હાજરી આપી હતી. સામાજિક અગ્રણીઓમાં ગગુભાઇ મ્યાત્રા, સધાભાઈ મ્યાત્રા, બધાભાઈ મ્યાત્રા, હરેશ ગરવા તેમજ SMC ના સક્રિય સભ્ય ભરત મ્યાત્રા અને અન્ય આગેવાનોએ ઉષાબેનને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આભારવિધિ અને સંચાલન સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી રૂતાબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે કાંતિભાઈ ગોહિલ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની તમામ વ્યવસ્થા શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સુંદર રીતે સંભાળવામાં આવી હતી અને સમૂહ ભોજન સાથે સમારોહની પૂર્ણાહુતિ થઈ હતી.