ઝાલોદથી વડોદરા દારૂ લઇને આવતી કાર સાથે બે શખ્સો પકડાયા

દાહોદ જિલ્લામાંથી દારૂનો જથ્થો ભરીને વડોદરા આવતી એક કારને હાલોલ-વડોદરા હાઇવે પરથી પોલીસે પકડી પાડી બે શખ્સોની અટકા કરી છે. જ્યારે વોન્ટેડ બે બુટલેગરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઇ છે. હાલોલ-વડોદરા રોડ પર બપોરના અરસામાં વાઘોડિયા પોલીસનો સ્ટાફ વોચમાં હતો. ત્યારે મળેલી બાતમી મુજબની સફેદરંગની એક સેન્ટ્રો કાર આવતા તેને રોકી તલાશી કરતાં કારમાંથી દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર લઇને જતાં વૈભવકુમાર દિલીપકુમાર પુરોહીત (રહે.વેપાર બેંકની નજીક, ભરત ટાવર, ઝાલોદ) અને સરદાર જયરામ બારીયા (રહે.સુથારવાસ, ઝાલોદ)ની અટકા કરી કાર, ચાર મોબાઇલ ફોન અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.૨.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ઝાલોદના મઘાનીસર ખાતે રહેતા દાઉદ ગજા ડામોરે ભરાવ્યો હતો. તેમજ વડોદરામાં પપ્પુભાઇ નામની વ્યક્તિને પહોંચાડવાનો હતો. તેવી વિગત જાણવા મળતાં પોલીસે બંનેની અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પકડાયેલા બંને કેરિયરોને પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસની રિમાન્ડ મેળવી છે.
        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *