વરસામેડીની સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.09 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની બાગેશ્રી-ત્રણ સોસાયટીમાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને અહીથી 1.09 લાખની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીના ઓમનગરની નજીક બાગેશ્રીનગર-3ના મકાનમાં ચોર ઈશમોએ હાથ સાફ કર્યો હતો. અહી રહેતા ફરિયાદી એવા રૂપાબેન અનિલ ચૌધરીના માતાનું અવસાન થતાં ગત તા. 2/11ના તેઓ પરીવાર સાથે કર્ણાટક જવા નીકળ્યાં હતાં. બાદમાં તા. 14/11ના પરત આવીને જોતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત ઘરમાં પણ તમામ સર સામાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે, અહીથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 1,09,500ની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.