પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ

 હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી અને વડોદરાના માનુષ શાહ સેમિફાઇનલમાં હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો  હતો.
મોખરાના ક્રમનો તથા ટુર્નામેન્ટમાં ફેવરિટ મનાતો માનુષના અભિયાનનો સેમિફાઇનલમાં અનપેક્ષિત અંત આવી ગયો હતો જ્યારે તેનો આરએસપીબીના ચોથા ક્રમના આકાશ પાલ સામે પરાજય થયો હતો. આકાશે મજબૂત પ્રારંભ કરીને પ્રથમ ગેમ જીતી લીધી હતી પરંતુ રિઝર્વ બેંક માટે રમતા ચશ્માધારી માનુષે વળતો પ્રહાર કરીને બીજી ગેમ જીતી લીધી હતી. જોકે ત્યાર બાદની ગેમમાં આ ડાબેરી ખેલાડીને સંઘર્ષ કરવો પડ્યો હતો. કેમ કે આકાશે તેના પુનરાગમનની તક આપી ન હતી અને બાકીની ત્રણ ગેમ જીતીને મેચ હાંસલ કરી લીધી હતી.
અગાઉ આ ટુર્નામેન્ટમાં 24 વર્ષીય ગુજરાતી ખેલાડી માનુષે દિલ્હીના આર્જવ ગુપ્તા સામે રાઉન્ડ ઓફ 16ની મેચ જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પણ તેણે વિજયકૂચ જાળવી રાખીને પીએસપીબીના સ્ટાર ખેલાડી અને ગુજરાતના જ હરમિત દેસાઈને 11-6, 9-11, 11-7, 12-10થી હરાવ્યો હતો.
દરમિયાન ગુજરાતના કેટલાક ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ગુજરાતના મોખરાના બયઝ અંડર-13 અને અંડર-15 ખેલાડી અને રાજકોટના દેવ ભટ્ટે કેડેટ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુરતના વિવાન દવેએ સબ જુનિયર કેટેગરીમાં પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ ત્યાંથી આગળ વધી શક્યા ન હતા.
બોયઝ અંડર-11 કેટેગરીમાં અમદાવાદના નક્ષ પટેલે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો.
માનુષ શાહનો ફોટો આ સાથે સામેલ છે.