અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા 

સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું વિથોણ સરદાર બાગથી કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને એક બનીને આગળ વધવું પડશે. અંખડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગિરકે એકતા, અંખડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જીવનમાં ઉતારવા જોઈએ. 

ધારાસભ્યશ્રી પ્રદ્યમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. તેઓએ લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. 

 લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં ભૂમિકા પર વક્તવ્ય યોજાયું હતું. વિથોણ સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ, રામેશ્વર તળાવ પાસે સફાઇ અભિયાન બાદ મહાનુભાવોએ શ્રી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આંટી પહેરાવી લીલીઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. રસ્તામાં ધાવડા, અંગીયા સહિતના ગ્રામજનોએ યાત્રાને આવકારી હતી. નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. 

આ પ્રસંગે અગ્રણીશ્રી હિરેનભાઇ પારેખ, શ્રી નરેન્દ્ર પ્રજાપતિ, મામલતદારશ્રી રાકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કર સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.