કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાઈવરો કિલનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકાશે નહીં

કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર ડ્રાઈવરો/કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામાં, સહિતની જરૂરી વિગતો સંબંધીત પોલિસ સ્ટેશનમાં આપવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો બાબતે જરૂરી કાર્યપદ્ધતિ અમલી કરવાની રહેશે.

આ કાર્યપદ્ધતિ અનુસાર દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરોની સંબંધીત પોલીસ સ્ટેશનમાં ડીટેઈલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ ડ્રાઈવરો/કિલનરો કામગીરી કરી શકશે નહી. કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો પૈકી કોઈ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને પુરી પાડવાની રહેશે. કોઈપણ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો ની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકાશે નહીં.

જાહેરનામાનાં ભંગ બદલ તપાસ કરવાનાં, જાહેરનામાનું પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.