ભુજ શહેરમાં ગોવા ફરવા ગયેલા મુસ્લિમ પરિવારના બંધ ઘરમાંથી રૂ. 62,000ના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ચોરી થયાનો કિસ્સો બહાર આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. શહેરની ભાગોળે આર.ટી.ઓ.રીલોકેશન સાઇટ વિસ્તારમાં રાજીવનગર ખાતે હનુમાન મંદિર નજીક રહેતા સલમાબેન ઈમરાન માંજોઠી ઉર્ફે મીરાબેનનું રહેણાંકનું મકાન આ ઘટનામાં ગત રાત્રિના અરસામાં કોઈ હરામખોરોનું નિશાન બન્યું હતું. ઘરમાલિક સલમાબેન અને તેમના પતિ ગોવા ફરવા ગયા હતા. ત્યારે પાછળથી આ ઘરફોડી થઈ હતી. પડોશી દ્રારા તસ્કરી વિશે ફોનથી જાણ કરાયા બાદ ગોવાથી પાછા આવ્યા પછી સલમાબેન તસ્કરી વિશે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેને ટાંકીને આ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે, બંધ ઘરમાંથી એલ.જી. કંપનીનું ટીવી, સેમસંગ કંપનીનું રેફ્રીજરેટર, વોશિંગ મશીન અને અન્ય ઘરવખરી મળી કુલ રૂ.62,000 નો સરસામાના તસ્કરી જવાયો હતો. પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તસ્કરોની ભાળ મેળવવા માટે સર્વગ્રાહી કાર્યવાહી હાથ ધરી છે.