ખંભાળિયા શહેરમાં ચાલતા શિવમ ગેસ્ટ હાઉસમાં ગત સાંજના અરસામાં એલ.સી.બી. પોલીસે રેડ પાડી, એક ઈસમ દ્વારા ચલાવતા જૂગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. જેમાં રૂ.1,38,000 ના મુદ્દામાલ સાથે સાત ઇસમોને પકડી લેવામાં આવ્યા હતાં. ખંભાળિયામાં ભારે ચકચારી બનેલા આ જૂગાર રેડની જાહેર થયેલી વિગત મુજબ અહિંના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ જાણીતા ગેસ્ટ હાઉસમાં ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફે રેડ પાડી હતી. આ સ્થળે અહિંના માંડણ રૂડાચ નામના એક ઇસમે અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ગેસ્ટ હાઉસના કર્મચારીને પણ આર્થિક લાભ આપીને ચલાવાતા જૂગારનાં અખાડા પર સાંજના અરસામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્થળે ગંજીપત્તા વડે તિનપત્તી નામનો જૂગાર રમી રહેલા ગઢવી માંડણ મણસુર રૂડાચ, ગઢવી માલદે દેસુર ડોસાણી, દેવરામ વેલજીભાઈ ગોહેલ, હર્ષદ ગોરધનભાઈ મોદી, ધના અજા લાંબરીયા, લાખા ભીખા જામ અને ગેસ્ટહાઉસનો કર્મચારી બટુક પરસોતમભાઈ ભાયાણી નામના સાત ઇસમોને પકડી લેવામાં આવ્યા હતાં. આ ઇસમો પાસેથી પોલીસે રૂ.૩૧,૫૦૦ ની રોકડ રકમ સાથે રૂ.૧૧,૫૦૦ ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ.૯૫,000 ની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ મળી, કુલ રૂ.૧,૩૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જૂગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે. જૂગાર રેડની આ કાર્યવાહીએ ભારે ચકચાર પ્રસરાવી છે.