રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ : હૃદયના કાંણાની વિનામૂલ્યે સર્જરીથી ગોયરસમા ગામની ૯ માસની નાયરાને મળ્યું નવું જીવન!

રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ રહી છે. રાજ્યનું દરેક બાળક તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘરે-ઘરે જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે. જેમાં કચ્છના મુન્દ્રા તાલુકાના ગોયરસમા ગામની ૯ માસની નાયરા જગદીશભાઈ આયડીને જન્મજાત હૃદયની ખામીની આ યોજના હેઠળ સફળ શસ્ત્રક્રીયા થતાં જ નાયરાને નવજીવન મળ્યું હતું.
૨૦ ફેબ્રુઆરીના ૨૦૨૫ના રોજ જન્મેલી નાયરાની તબિયત સારી ન જણાતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી અને મુંદરાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ
. યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ કાર્યરત RBSKની ટીમે બાળકીના ઘરે મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં હૃદયની તકલીફ જણાતાં ટીમે તુરંત સંદર્ભ કાર્ડ ભરીને પરિવારને અદાણી હોસ્પિટલ ભુજ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે જવા માટે સમજાવ્યું હતું. યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બાળકીના જરૂરી રિપોર્ટ બાદ તેને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક તારીખ ૪ નવેમ્બરના રોજ ઓપરેશન કરીને ક્ષતિ દૂર કરી હતી. સારવાર બાદ નાયરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલમાં તે તદ્દન નોર્મલ જીવન જીવી રહી છે.
નાયરાની માતા જિજ્ઞાબેને આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર સારવાર અને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે ખૂબ જ સરસ સારવાર મળી અને ઓપરેશન બાદ નાયરાના વજન અને તંદુરસ્તીમાં સુધારો થયો છે.” તેમણે અન્ય ખામી ધરાવતા બાળકોના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ લેવા અને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુંદરાની RBSK ટીમના ડૅા. સુહાના મિસ્ત્રી, ડૉ. રાજ શાહ, ફાર્માસિસ્ટ વિપુલ સોરઠીયા, આરોગ્ય કાર્યકર કરુણાબેન ચાવડા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સાહીલ રાણા તથા ગામના આશા કાર્યકર આશાબેન સોઢાએ જહેમત ઉઠાવી હતી.
સરકારે આ કાર્યક્રમ થકી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકો સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.
RBSK યોજના વિશે જાણો-
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) એ દેશમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગો, ઉણપ અને વિકાસમાં વિલંબ સહિતની ૩૦ જેટલી નિર્દિષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ, નિદાન અને વિનામૂલ્યે સારવાર માટેની એક મહત્વપૂર્ણ સરકારી પહેલ છે. જે પણ બાળકોમાં ગંભીર ખામી જણાય તો તેમના વાલીઓએ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેવો જોઈએ જેથી તેમના બાળકને વિનામૂલ્યે અને સમયસર સારવાર મળી શકે. —