કડોલ રણમાં મીઠા માફિયાઓએ ગેરકાયદેસર પાણીનો નાલો બનાવ્યા છતાં કચ્છ વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં

કડોલ વિસ્તારમાં મીઠાના પ્લોટ ધરાવતા હીરા, પાંચા, લક્ષ્મણ અને વાઘુ નામના વ્યક્તિઓ દ્વારા રણમાંથી અંદાજે ૨૫ કિમી લાંબો ગેરકાયદેસર નાળો બનાવી પાણી લાવીને મીઠું પકવાતું હોવાનો ખુલાસો સ્થાનિક સૂત્રો દ્વારા થયો છે. કચ્છનું વિશ્વપ્રખ્યાત વ્હાઇટ રણ પોતાની કુદરતી સફેદી અને અનોખા સૌંદર્ય માટે જાણીતું છે, ત્યાં આવા ગેરકાયદેસર નાળાઓના કારણે કુદરતી રચનાને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. મીઠા માફિયાઓની બેદરકારી અને અનિયમિત પ્રવૃત્તિએ રણના પર્યાવરણ અને કુદરતી સંપદાને ખતરો ઉભો કર્યો છે. પર્યાવરણ વિશેષજ્ઞો મુજબ રણની સપાટી પર નાળા ખોદવાથી જમીનનો સમતોલ અભાવ થાય છે, તેમજ સફેદી ઉપર કાયમી અસર પડે છે. આ ઉપરાંત, પાણીના સતત પ્રવાહથી રણના સૂક્ષ્મ કુદરતી બનાવટોમાં ફેરફાર થાય છે, જે ભવિષ્યમાં પ્રવાસન પર અસર કરી શકે છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગ તથા કચ્છ વહીવટી તંત્રને તાત્કાલિક તપાસ કરીને યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે