ગાંધીધામ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી- કચ્છ દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ – 2005 વિષે સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે અંતર્ગત સમયાંતરે મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. આ અનુસંધાનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ 2005” અંગે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સેમિનારના સફળ આયોજનમાં લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમનું સહકારપૂર્ણ યોગદાન રહેલું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે, શ્રી કેતનભાઈ ગોહેલ, શ્રી આકાશભાઈ ચૌહાણ, DHEWના મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ, તેમજ OSCના કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવલિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા કાયદા અંતર્ગત કોણ ફરિયાદ કરી શકે, ફરિયાદ ક્યાં નોંધાવી શકાય, કોર્ટ તરફથી મળતા આદેશો તથા અધિનિયમની મુખ્ય જોગવાઇઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. DHEWના મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સાથે-સાથે કાયદાકીય માહિતી તથા મહિલાઓ સશક્ત બને અને હિંસા સહન ન કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન દ્વારા OSC વિષે માહિતી આપવમાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત તમામ બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી પણ રજૂ કરવામાં આવી, જેથી મહિલાઓ તેમના કાનૂની હકો અને સરકારી સહાય વિશે સચેત બની શકે. લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમ દ્વારા જણાવાયું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને હક્કો અંગે સકારાત્મક જનજાગૃતિ લાવે છે અને ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો કરવામાં આવે જેથી મહિલાઓ સુધી વધુ માહિતી પહોચી શકે. સમગ્ર સેમિનારનું સુચારુ આયોજન DHEWની ટીમ અને OSCની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.