ગાંધીધામ ખાતે ૦૨ જાન્યુઆરીના રોજ કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ યોજાશે
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે વાઈબ્રન્ટમાં સહભાગી બનવા આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તથા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર વિભાગના સંકલનથી ગાંધીધામ ખાતે આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં જિલ્લાના ઉદ્યોગ સાહસિકો, ઇન્વેસ્ટર્સ, યુવા ઉદ્યોગ સાહસિકો તથા સ્થાનિક વેપારીઓને સહભાગી બનવા કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બનવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છનો વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ એન્ડ કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને યોજાનારો છે.
૦૦૦૦