રિજનલ વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમો થકી કચ્છમાં ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બ્લુ ઇકોનોમીને લગતી ઇકો સિસ્ટમમાં રોકાણકારો ઉત્સુકતા દાખવશે

રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આ વર્ષે રાજકોટ ખાતે પણ તા.૧૦ થી તા.૧૨ જાન્યુઆરી
દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે કચ્છના ગાંધીધામ ખાતે પણ ડિસ્ટ્રિક્ટ લેવલ
પ્રોગ્રામ યોજાનાર છે. ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ પ્રકારના પગલાંઓ થકી જિલ્લાના ઉદ્યોગકારો
અને ખાસ કરીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે.
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકીયાના એમ.ડીનો નિમેશ ફડકેનો પ્રતિભાવ
આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા ફોકીયાના એમ.ડીશ્રી નિમેશ ફડકેએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩થી ફોકીયા વાઇબ્રન્ટ
ગુજરાત સાથે જોડાયેલું છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસ અને માર્ગદર્શનથી આજે આ પ્લેટફોર્મ વૈશ્વિક કક્ષાએ રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
રોકાણની નવી તકો તથા એમએનસી કંપનીઓને એક પ્લેટફોર્મ પુરુ પાડવા સાથે દેશ અને ગુજરાતની ઇકો સિસ્ટમને જાણવા માટેનું પણ
મંચ છે. આ વર્ષે રાજકોટ ખાતેની રિજનલ કોન્ફરન્સ કચ્છ માટે મહત્વની બની રહેશે તેવું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ ગુજરાતમાં
સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે તેથી બ્લુ ઇકોનોમીના વિકાસની ઉજ્જવળ તકો છે. ઉપરાંત આવનારા ૧૦ વર્ષમાં કચ્છ ભારતની
રિન્યુએબલ એનર્જીના ૫૦ ટકા ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે. ગ્રીન એનર્જી તથા બેટરી સ્ટોરેજ ક્ષેત્રે નવી શોધ થઇ રહી છે ત્યારે ગ્રીન
હાઇડ્રોજન ક્ષેત્રે કંડલા પોર્ટની પહેલથી કરોડોનું રોકાણ આવી રહ્યું છે. આ વાઇબ્રન્ટના માધ્યમથી આવનારા સમયમાં ગ્રીન એનર્જી, ગ્રીન
હાઇડ્રોજન અને તેને લગતી ઇકોસિસ્ટમ અને બ્લુ ઇકોનોમી ઉપરાંત ટુરીઝમ ક્ષેત્રે અનેકવિધ રોકાણકારો પોતાની ઉત્સુકતા દાખવશે.
ભવિષ્યમાં કચ્છમાં નવું ઇન્ડસ્ટ્રીયલ લેન્ડસ્કેપ સર્જાશે. જે વિકસિત ભારતની કલ્પના સાકાર કરવામાં સહભાગી બનશે તેવો આશાવાદ
તેમણે વ્યકત કર્યો હતો.