મોરબી તાલુકા પોલીસે બે સ્થળે રેડ કરીને ચાર શખ્સોને પકડી પાડીને દારૂ તેમજ કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે એલસીબી ટીમે રહેણાંક મકાનમાંથી દારૂ પકડી લીધો છે. મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીને આધારે લાલપર પાસેથી પસાર થતી ઇકો કાર નંબર જીજે ૧૩ એએચ ૭૨૫૪ ને આંતરી તલાશી લેતા કારમાંથી 9 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૨,૭૦૦ મળી આવતા કાર કિંમત રૂ.૨.૫૦ લાખ અને દારૂનો જથ્થો કબ્જે કરીને કારમાં સવાર વિરમભાઇ રમેશભાઈ રંગપરા રહે વેલાળા તા. ધ્રાંગધ્રા, સંગ્રામભાઈ લખાભાઈ ખટાણા રહે કુંતલપુર તા. મુળી અને ધર્મેશ મનસુખ કોળી રહે લાલપર મોરબી મૂળ થાન વાળાને પકડી લેવાયા છે. તે ઉપરાંત તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાંથી પસાર થતા ભરત નારણ ગઢવી રહે હાલ લાલપર મોરબી મૂળ કુડા તા. ધ્રાંગધ્રા વાળા પાસે રહેલા બાચકામાંથી ૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૧૦,૧૫૦ કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. જયારે એલસીબી ટીમે મોરબીના ઘૂટું રોડ પર આવેલ રામકો સોસાયટીના મગનભાઈ શીવાભાઈ બારૈયાના મકાનમાં રેડ કરીને ૧૧ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૧,૧૦૦ કબ્જે કર્યા છે. જયારે શખ્સ હાજર નહિ મળતા તેને પકડી લેવા કાર્યવાહી ચલાવી છે.