વડોદરા શહેરમાં કેમિકલ પાવડર ભરેલી થેલીઓની નીચે દારૂનો જથ્થો છુપાવીને જતી ટ્રકને તાલુકા પોલીસે સોખડા પાસે મીરસાપુરા ગામ નજીક પકડી પાડી છે. પોલીસે દારૂનો જથ્થો, કેમિકલ પાવડર, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬૬.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાયવર અને ક્લિનરની અટકાયત બાદ બંનેની વધુ તજવીજ હાથ ધરાઇ છે. રાજસ્થાન પાસીંગની ૧૨ વ્હીલવાળી કેસરી રંગની અશોક લેલન કંપનીની દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક મીરસાપુરા ગામ તરફ આવવાની છે. તેવી બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ સવારના અરસામાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક મીરસાપુર તરફ આવતા તેને રોકી ટ્રકની તાડપત્રી ખોલતા સફેદ કલરની પ્લાસ્ટીકની બેગો જણાઇ હતી. આ બેગો હટાવીને નીચેના ભાગે જોતા દારૂની બોટલો ભરેલી ૧૦૦ પેટીઓ મળી હતી.